આમ તો સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ બંધી વચ્ચે પણ કેટલાય નશાનો વેપલો કરતા તત્વો ખુલ્લેઆમ અને બિન્દાસ અંદાજમાં શરાબનો વ્યવસાય કરતા હોય છે, શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર વધુ રૂપિયા કમાવવાની લાલચમાં અનેક યુવા વર્ગને નશાની લત લગાડનાર તત્વો આજે પણ ગુજરાતમાં સક્રિય છે, તેવામાં ભરૂચ જિલ્લામાં હવે આવા તત્વો સામે લગામ લગાવવા માટે પોલીસે પણ કવાયત તેજ કરી છે.
ભરૂચ પોલીસની વિવિધ ટિમો દ્વારા રોજબરોજ નશાનો વેપલો કરતા તત્વોને શોધી તેઓને જેલના સળિયા ગણતા કરી મૂક્યા છે, ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝઘડિયાના ગુલા ફળીયા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે, ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડા પાડી બુટલેગર શશીકાંત હરિસિંગ વસાવા રહે. ગુલા ફળીયા ઝઘડિયા નાઓને ઝડપી પાડી તેની પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબનો જથ્થો કિંમત રૂપિયા ૨૫,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વધુ એકવાર નશાનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ખળભળાટ મચ્યો છે.