રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- 2022 ના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં આજરોજ ગુરુવારથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો. વડોદરા શહેર જિલ્લામાં તા. 23 જૂનથી તા. 25 જૂન સુધી યોજાનાર શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ સવારે 8:00 કલાકે મહાવીર સ્વામી પ્રાથમિક શાળા છાણી ખાતેથી વડોદરા શહેરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો.
શાળાના વિદ્યાર્થીઓને બેગ, પાણીની બોટલ, યુનિફોર્મ વગેરે જેવી વસ્તુઓ આપીને આવકાર્ય. પ્રવેશોત્સવમાં બાળકો એ ખાસ પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા તથા યોગા કરી બતાવ્યા. તદુપરાંત મહાવીર સ્વામી શાળામાં એક દિવ્યાંગ બાળકને પણ સારો આવકાર આપી ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવ્યો. જેને લઈને એના માતાપિતા પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 17 મી શ્રૃખંલા અંતર્ગત વડોદરા જિલ્લામાં ધોરણ – 1 માં કુલ 22,831 બાળકોને વિદ્યામંદિરોમાં પા..પા.. પગલી કરાવવામાં આવી. તેની સાથે ધોરણ-9 માં પણ 18,476 છાત્રોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારમાં કુલ 2,25,444 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાંથી કુલ 46,767 બાળકો ખાનગી શાળાઓ અને બાકીના છાત્રો સરકારી, અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવશે.
વડોદરા જિલ્લામાં ધોરણ એકથી બારની કુલ 1434 શાળાઓ શિક્ષણકાર્ય કરી રહી છે. તે પૈકી 183 શાળાઓ જ ખાનગી છે. બાકીની શાળાઓ અનુદાનિત અથવા તો જિલ્લા પંચાયત સિવાયની અન્ય સરકારી વિભાગો દ્વારા સંચાલિત છે. વડોદરા જિલ્લામાં આ વર્ષે ધોરણ 12 માં કુલ 6106 અને ધોરણ 10 માં કુલ 16084 છાત્રો પ્રવેશ લેવાના છે. કોરોના મહાકારીના કારણે છેલ્લા બે વર્ષથી નહીં યોજાતું રાજ્ય સરકારનું આ ફ્લેગશીપ અભિયાન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેન છે. જેના કારણે ખાસ કરીને બાળકોનું શાળામાં સ્થાયીકરણ વધ્યું અને રાજ્યમાં અધ વચ્ચેથી શાળા છોડી (ડ્રોપ આઉટ) જવાનું પ્રમાણ નહીવત્ત થઇ ગયું છે.
વડોદરા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઇનસમાં ચાલી રહ્યો છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં કુમારમાં -1.59 ટકા અને કન્યામાં -0.28 ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. આ બાબત બતાવે છે કે, બાળકનું એક વખત શાળામાં નામાંકન થાય એ બાદ તેમનું સો ટકા સ્થાયીકરણ થઇ જાય છે. જિલ્લાનો કુલ ડ્રોપ આઉટ રેશિયો -0.97 ટકા છે. જ્યારે એક ધોરણમાંથી બીજા ધોરણમાં ટ્રાન્ઝીટ થવાનું પ્રમાણ 101 ટકા જેટલું છે. એટલું જ પ્રમાણ રિટેન્શન રેશિયામાં પણ છે.