ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડા દેખાવાની ઘટનાઓ બનતી હોય છે. દિપડા દ્વારા અવારનવાર માનવ વસતિમાં આવીને પાલતુ પશુઓ પર હુમલો કરવાના બનાવ પણ બને છે.
આવા જ એક બનાવમાં ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે એક મકાનના વાડામાં બાંધેલ પાલતુ પશુઓ પૈકી એક વાછરડા પર દિપડાએ લગભગ મળશ્કાના સમયે હુમલો કરતા વાછરડુ ગંભીર રીતે ઘાયલ થયું હતું. ઉલ્લેખનીય છે કે આજ ગામે અગાઉ દિપડાના હુમલામાં બે વાછરડાના મોત થયા હતા. ગામમાં માનવ વસતિ વચ્ચે દિપડા દ્વારા પાલતુ પશુ પર હુમલો કરાયાની ઘટનાને લઇને ગામલોકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે. ત્યારે વનવિભાગ દિપડાને ઝડપી લેવા પાંજરૂ ગોઠવે તેવી માંગ જોવા મળી હતી.
મળતી વિગતો અનુસાર રૂંઢ ગામના પશુપાલક દત્તુભાઇ મકવાણાના જણાવ્યા મુજબ તેમના ઘરના વાડામાં ગાયો અને વાછરડા બાંધેલા હતા, મળસ્કે ગાયોનો અવાજ સંભળાતા બહાર નિકળી જોતા એક વાછરડા પર દિપડાએ હુમલો કર્યો હતો તેમ જણાયુ હતું. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલ વાછરડાની સારવાર કરાવી હતી. ઇજાગ્રસ્ત વાછરડાની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યું હતુ. ગ્રામજનોએ દિપડાના હુમલા બાબતે વનવિભાગને જાણ કરી હતી, અને દિપડાને ઝેર કરવા પાંજરૂ ગોઠવવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં શેરડીનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાનો મનાય છે. શેરડીની કાપણી બાદ દિપડાઓ બહાર નીકળતા હોય છે અને ઘણીવાર શીકારની શોધમાં માનવ વસતિ તરફ આવી ચઢતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ