માંગરોળ તાલુકા મથક વિશ્રામ ગૃહ ખાતે ૧૫૬ માંગરોળ વિધાનસભા બેઠક ના કોંગ્રેસ પ્રભારી સોહન નાયક ની ઉપસ્થિતિમાં કોંગ્રેસના મુખ્ય કાર્યકરોની સંગઠન લક્ષી બેઠક યોજાઇ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૫૬ માંગરોળ વિધાનસભા બેઠક ના પ્રભારી તરીકે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય સોહન નાયક ની નિયુક્તિ કરવામાં આવી છે.
આગામી 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી તેઓને આ બેઠક પર સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે માંગરોળ તાલુકાના મુખ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી.જેમાં તેમણે મારું બુથ મારુ ગૌરવ અનુસૂત્ર કોંગ્રેસ કાર્યકર્તાઓને આપી બુથ લેવલે એટલે કે ગ્રામ પંચાયત ના વોર્ડ કક્ષાએ થી કોંગ્રેસ ના સંગઠનને મજબૂત બનાવવા માટે અનુરોધ કર્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓ ને સંબોધન કરતા જણાવ્યું કે હું કોઇ ઉમેદવારને ટિકિટ અપાવવા માટે અથવા કોઈના પ્રત્યે કુણી લાગણી લઈને આવ્યો નથી.પરંતુ કોંગ્રેસ પાર્ટીને માંગરોળ વિધાનસભા માં મજબૂત કરવા માટે આવ્યો છું. વફાદારી અને ઈમાનદારી પૂર્વક શિસ્તબદ્ધ રીતે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનું કામ કરશે તેવા જ કોંગ્રેસ ના આગેવાન કાર્યકરો નુ પક્ષમાં હવે મહત્વ રહેવાનું છે. આપણે સૌ સાથે મળીને કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબુત બનાવી એ તે માટે હું પક્ષના કાર્યકર્તાઓ ને આહવાન કરું છું.ઉપરોક્ત બેઠકમાં પક્ષને મજબૂત કરવા અંગેના કાર્યકર્તાઓ દ્વારા સૂચનો અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આગામી વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. માંગરોળ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે જેથી બંને પક્ષો દ્વારા સંગઠન લક્ષી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ