ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આવતા ભારદ્વારી વાહનો આડેધડ જાહેર માર્ગો પર પાર્ક કરાતા હોવાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ભોગવવી પડે છે.
આજે જીઆઇડીસીની એબોટ ચોકડી પર ભારે વાહનો આડેધડ પાર્ક કરેલા દેખાયા હતા. લાઇનસર પાર્ક કરેલ આ વાહનોને લઇને વાહન ચાલકોએ જાણે જાહેર માર્ગને પાર્કિંગ ઝોન બનાવી દીધો હોય એમ જણાતું હતુ. ઝઘડિયા જીઆઇડીસી ઉતરોત્તર વિકાસની દિશામાં આગળ વધી રહી છે તે ખુશીની વાત ગણાય, પરંતું આ વિકાસની સાથેસાથે વિસ્તરતી જતી સમસ્યાઓ પણ હલ થવી જોઇએ. ઝઘડિયા જીઆઇડીસીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા જીઆઇડીસી માટે અલગ પોલીસ સ્ટેશન ફળવાયું છે. ત્યારે જીઆઇડીસીમાં આડેધડ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને નિયમોનું ભાન કરાવવા પોલીસ અસરકારક ભુમિકા અપનાવે તે જરુરી બન્યું છે. આડેધડ જાહેર માર્ગો પર કોના બાપની દિવાળીની જેમ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો પર તાકીદે દંડનીય કાર્યવાહી કરાય તેવી લોકલાગણી અને લોકમાંગણી પ્રવર્તી રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ