માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયતની ગ્રામસભામા પ્રિમોન્સુન કામગીરી ગટર રસ્તા સાફ સફાઈ અને બંધ સ્ટ્રીટ લાઈટ મુદ્દે પ્રબળ રજૂઆતો કરાઈ હતી.
વાંકલ ગ્રામ પંચાયતના નવનિયુક્ત વહીવટદાર અશોકભાઈ જેઠાભાઈ વણકરના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનો પ્રારંભ થયો હતો. એજન્ડાની કાર્યવાહી મુજબ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારી લાભોથી વંચિત રહેલા લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરોક્ત ગ્રામસભામાં સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રબળ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વાંકલ ગામમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી નથી, ગામના વરસાદી પાણીના નિકાલની ગટરોની સફાઈ, ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતી જગ્યા ઉપર પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અંગે રજૂઆતો થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી વાંકલ ગામના વિવિધ ફળિયા સ્ટ્રીટ લાઈટો બંધ છે તે ચાલુ કરાવવા રજૂઆત થઇ હતી. વાંકલ મુખ્ય બજાર શોપિંગ સેન્ટર અન્ય રસ્તાઓ પર સફાઈ કરવા માટેની પણ રજૂઆતો થઈ હતી તેમજ વાંકલ બજાર માર્ગ પર પથ્થરો ભરી બેફામ દોડતી ટ્રકોમાંથી પથ્થરો પડવાની ઘટના અને વીજળીના પ્રશ્નો અંગે રજૂઆત થઇ હતી. વહીવટદાર અને તલાટી કમ મંત્રી સતિષભાઈ ગામીત દ્વારા ગ્રામજનો એ રજૂ કરેલા પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. ગ્રામસભામાં વીજ કંપનીના અધિકારી-કર્મચારીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રતિનીધીઓ આશાવર્કર બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ