ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપો પર ડીઝલ કે પેટ્રોલની કોઈ તંગી નથી પરંતુ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે સંકળાયેલા પેટ્રોલ પંપો પર પુરવઠામાં સમસ્યા નોંધાઈ રહી છે. ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે દેશમાં ડીમાન્ડ સામે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ સ્થાનિક સ્તરે પરિવહન સંબંધી મુશ્કેલીઓના કારણે કામચલાઉ તંગી સર્જાઈ છે.
આ ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક ચૂંટણીલક્ષી ગતિવિધિઓના કારણે પણ ડીમાન્ડ વધી છે.આ મામલે સરકારના કહેવા પ્રમાણે ખાનગી કંપનીઓએ વેચાણમાં કાપ મુક્યો હોવાના કારણે સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ (PSU) સાથે સંકળાયેલા પેટ્રોલ પંપો પરનું દબાણ વધ્યું છે. આ કારણે અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની તંગી જોવા મળી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના કહેવા પ્રમાણે વધારાની ડીમાન્ડને પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, ડીમાન્ડ વધવાના કારણે PSU સપ્લાય નથી કરી શકતી જેથી ગ્રાહકોની મુશ્કેલીઓ વધી છે. મંત્રાલયે જણાવ્યું કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં મોટા ભાગે ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરવામાં આવે છે. ખાનગી કંપનીઓએ ઈંધણના પુરવઠામાં કાપ મુક્યો છે. ઉપરાંત આ રાજ્યોમાં તેલ ટર્મિનલ અને ડિપો ખૂબ દૂર આવેલા છે જેથી પેટ્રોલ પંપો પર પુરવઠો પહોંચાડવામાં મોડું થઈ રહ્યું છે. નુકસાન પર વેચાણ કરી રહી છે સરકારી કંપનીઓ સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ કાચા તેલની સરખામણીએ પેટ્રોલ-ડીઝલની કિંમત નથી વધારી રહી. આ કંપનીઓ 14 થી 18 રૂપિયા પ્રતિ લીટરના નુકસાન પર પેટ્રોલ તથા 20 થી 25 રૂપિયા પ્રતિ લીટરના નુકસાન પર ડીઝલનું વેચાણ કરી રહી છે. નાયરા એનર્જી, જિયો-બીપી તથા શેલ જેવી પ્રાઈવેટ કંપનીઓ આ નુકસાન સહન કરવાની સ્થિતિમાં નથી.