ગાંધીના ગુજરાતમાં જ્યાં એક તરફ દારૂબંધીના કાયદાનું કડક પાલન થતું હોવાના તાયફાઓ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ કાંઈક અલગ જ હકીકત જોવા મળી રહે છે. અનેક સ્થળે દારૂની રેલમછેલમ થતી હોવાના કિસ્સા અનેકવાર સામે આવે છે. જેમાં રાજ્યમાં હાલ દારૂમાં સરકારી સ્થળે પણ દારૂની મહેફીલો સજતી જોવા મળે છે તો કેટલીક સરકારી કચેરીમાં દારૂની બોટલો મળી આવે છે.
તાજેતરમાં નવરંગપુરાના પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. ત્યારે હવે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ નેતાઓ જ્યાં બેસે છે. તેવી દાણાપીઠની મ્યુનિ. કચેરીમાંથી જ દારૂની બાટલ મળી છે. ત્યારે શહેરમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે.
શહેરની દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરીમાં ગતરોજ એટલે કે બુધવારે પાણીના કુલર પાસે જ એક દારૂની ખાલી બોટલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જ્યાં કમિશ્નલ, આઈએએસ અધિકારીઓ તથા મેયર અને અન્ય નેતાઓ બેસતા હોય તેવી મ્યુનિ કચેરીમાં સામાન્ય નાગરિકને રજુઆત માટે એન્ટ્રી પાસ વગર સિક્યુરીટી સ્ટાફ એન્ટ્રી આપતો નથી. ત્યારે પ્રતિબંધિત દારૂ અંદર પહોંચ્યો કેવી રીતે એ મોટો સવાલ ઉભો થયો છે.