વડાપ્રધાન નરેન્દ્ર મોદિના ગુજરાત પ્રવાસ પહેલા એટીએસનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. 18 જૂને વડાપ્રધાનનો પ્રવાસ છે એ પહેલા જ એટીએસ હરકતમાં આવી છે. કેમ કે, આ પહેલા અલકાયદા દ્વારા ધમકીઓ આપવામાં આવતા દેશભરની સુરક્ષા એજન્સીઓ અત્યારે સતર્ક બની ગઈ છે. જેના કારણે આતંકીઓ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કે જેહાદી માનસિકતા ધરાવતા લોકો પર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે અમદાવાદ સહીતના ગુજરાતના વિિવધ વિસ્તારના આવા 5 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.
અલકાયદાની ધમકી બાદ 5 થી વધુ લોકોની અટકાયત પૂછપરછ હેતુસર કરવામાં આવી છે. એટીએસ દ્વારા આશંકારને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તેમજ અન્ય પ્રકારની ગેરરીતિની આશંકા વચ્ચે એટીએસએ દ્વારા વડોદરાના શાદાબ પાનવાલાની અટકાયત કરવામાં આવી છે. ફતેહગજ અને ગોધરામાંથી પણ અટકાયત કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં એક કંપનીના ડાયરેક્ટર સહીતના બે ની અટકાયત કરવામાં આવી છે. તમામના મોબાઈલ લેપટોપ સહીતના ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આઈએસઆઈએસના હેન્ડલર સાથે સંપર્કમાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. અલકાયદાની આપવામાં આવેલી ધમકી બાદ દેશ અને રાજ્યની સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેના પગલે આ પ્રકારે કડકાઈ દાખવવામાં આવી રહી છે.