રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી નવું સંગઠન બનાવી ચૂંટણીના મેદાનમાં ઉતરવા યોજના ઘડી રહી છે. આ દરમ્યાન કોંગ્રેસ પાયો મજબૂત કરવા તાલુકાઓમાં ખાસ ધ્યાન આપશે. ત્યારે કોંગ્રેસ આગામી સમયમાં પક્ષના દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં તાલુકાઓમાં બેઠક યોજશે.
મળતી માહિતી અનુસાર, આગામી 18 થી 23 જૂન સુધી કોંગ્રેસ રાજ્યના ચારેય ઝોનમાં બુથ લેવલના કાર્યકરો સાથે બેઠક યોજશે. તેમજ લોકોને પોતાની તરફ કેરવા અને પક્ષમાં યુવાનોને જોડવા અંગેની ચર્ચાઓ આ બેઠકમાં થશે. કોંગ્રેસના સુત્રો અનુસાર, 18મી જૂને દક્ષિણ, 19 મધ્ય ગુજરાત, 21 મી જૂને ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં બેઠકો યોજાશે. આ બેઠકમાં પાર્ટી સંગઠન દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીઓનું મૂલ્યાંકન પણ કરાશે. તે ઉપરાંત સ્થાનિક સમસ્યાઓ અને લોકોના પ્રશ્નોની પણ ચર્ચાઓ કરાશે.
ત્યારે અંબાજીથી ઉમરગામ એટલે કે, પૂર્વ પટ્ટામાં આદીવાસી સમાજના પ્રભુત્વ ધરાવતી 40 સીટો પર લોકોને તેમના હક મળે તે માટે સત્યાગ્રહ નામની એપ્લિકેશન કોંગ્રેસ પક્ષ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ એપમાં લોકોના પ્રશ્નોની નોંધણી થશે. જેથી આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાં 10 હજારથી વધુ ચોપાલ કરશે. 10 લાખ પરિવારો સાથે સીધી મુલાકાત કરશે.