ભરૂચ જીલ્લાના લીંબેટ ગામે પુત્રએ તેના પિતાને માર મારતા પિતાનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનો બનાવ બનવા પામ્યો છે. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ લીંભેટ ગામે રહેતા છનાભાઇ દિવાસીયાભાઇ વસાવાને ચાર સંતાનો પૈકી ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. છનાભાઇના ભાગમાં વારસામાં અેક ખેતર આવેલું છે. તેમનો પુત્ર સંજય ટ્રેકટર ચલાવવાનું કામ કરે છે. દરમિયાન ગતરોજ તા.૧૩ મીના રોજ સંજય તેના પિતા સાથે ઝઘડો કરીને ખેતર તેના નામે કરીને તેને આપી દેવાનું કહેતો હતો. આ ઝઘડા દરમિયાન સંજયે તેના માતા પિતાને માર માર્યો હતો. સંજયે તેના પિતાને લાકડીના સપાટા અને મુઢમાર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સંજય પોતાના પિતાને માર મારતો હોવાની જાણ થતાં તેની બહેનો ત્યાં દોડી આવી હતી, અને પિતાને કેમ મારે છે તેમ કહેતા સંજય ઉશ્કેરાઇ ગયો હતો અને તમે અહિયાંથી જતા રહો નહીતો તમને પણ માર પડશે, એમ કહીને કોદાળીથી બહેનોને ઇજાગ્રસ્ત કરી હતી. આ ઘટનામાં તેમના પિતા છનાભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનાથી ઉભુ થવાતું ન હતુ. ઇજાગ્રસ્તોને વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. છનાભાઇને વધુ સારવારની જરુર જણાતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. દરમિયાન આજે તા.૧૪ મીના રોજ સવારે સારવાર દરમિયાન છનાભાઇ વસાવા ઉ.વર્ષ ૭૦ નું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકની પુત્રી સુમનબેન મનસુખભાઇ વસાવા રહે.લીંભેટ તા.ઝઘડિયાનાએ પિતાને મુઢમાર મારી મોતને ઘાટ ઉતારનાર સંજય છનાભાઇ વસાવા રહે.લીંભેટના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ