સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 18 મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસલક્ષી કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે જેને લઈને વહીવટી તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 16 જુને બપોરના 12 વાગ્યાથી 18 મી જુન બપોરના 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માલવાહક રોપ વે માં જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે જેને લઇને 4 ટ્રોલી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડા તળાવથી માંચી સુધી રોડ માર્ગ દ્વારા આવશે અને ત્યારબાદ રોપ વે ના માધ્યમથી નિજ મંદિર પાવાગઢ ખાતે પહોંચશે અને વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરશે. તેમજ મહાકાળી માતાના મંદિરે માતાના દર્શન કરી ધ્વજારોહણ કરશે. આ સમય દરમિયાન પંડિતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવશે. પાવાગઢ મંદિર પાસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સ્ટેજ ઊભો કરવામાં આવ્યો છે જ્યાં વડાપ્રધાન મોદી ટ્રસ્ટીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગૃહમંત્રી, ધારાસભ્યો, અને સાંસદો હાજર રહેશે. આ કાર્યક્રમમાં 17 જેટલા સંતો હાજરી આપશે. પાવાગઢ મંદિર ખાતે વિકાસલક્ષી કામો અને ધ્વજારોહણ માટે ઉપસ્થિત રહેનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને લઈને પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી એમ એસ ભરાડા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ પાવાગઢ ટ્રસ્ટી સાથે મુલાકાત કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી