જેઠ સુદ પુનમના દિવસે દર વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળે છે ત્યારે આજે વહેલી સવારથી જ આ જળયાત્રા નિકળી છે. ખાસ કરીને આ પહેલા કોરોનાના બે વર્ષ વિત્યા છે ત્યારે આ વખતે રથયાત્રા પહેલા બે વર્ષ બાદ જળયાત્રાનું આયોજન કરાયું છે. આજથી 15 દિવસ સુધી ભગવાન જગન્નાથ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે.
આ વખતે આ જળયાત્રા જમાલપુર મંદિરથી સાબરમતી નદીના આરા સુધી યોજવામાં આવી હતી. ધામધુમથી જળયાત્રામાં શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા જોવા મળી હતી. ખાસ કરીને જળયાત્રા બાદ પણ અન્ય પ્રકારની પરંપરાગત વિધી કરવામાં આવે છે ત્યારે ટૂંક સમયમાં ભગવાનની પૂજા પણ કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાનને ગજવેશનો શણગાર કારાવાશે.
જે રીતે રથયાત્રા નિકળે છે એ જ પ્રકારે ઓછી જનમેદની સાથે આમાં પણ મિની રથયાત્રા જેવો માહોલ જોવા મળે છે ત્યારે આ વખતે પણ આ જળયાત્રાની અંદર અખાડાના કરતબો જોવા મળ્યા હતા. વહેલી સવારથી અમદાવાદનો પૂર્વ વિસ્તારનો આ ભાગ જય રણછોડ માખણચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો. ભાવી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને મહિલાઓ પણ જળાશયમાં કળશ ભરીને જોવા મળી હતી. પરંપરાગત અનોખો નજારો કોરોનાના બે વર્ષ વિત્યા બાદ આજે જોવા મળ્યો હતો.