RBI ની માન્યતા મેળવી યુવા નિધિ કંપની ખોલી નઈ સોચ નઈ રાહના નામે ગુજરાતભરમાં હાજરો લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવી નવડાવી દેનાર કંપનીના સંચાલકો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ₹29 લાખની છેતરપિંડીની ફરિયાદ 3 સંતાનની માતા એવી વિધવા મહિલાએ નોંધાવી છે.
ગુજરાતમાં RBI ની મંજૂરી લઈ યુવાનિધિ કંપની એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત તથા ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રીવાસ્તવનાએ ખોલી હતી. આ ભેજાબાજોએ નઈ સોચ, નઈ રાહ હેઠળ સેવિંગ, ડેઇલી, મંથલી તથા ફીક્સ ડીપોઝીટ 1 થી 5 વર્ષ સુધીના બેંકર તરીકે સમગ્ર ગુજરાતમાં ઓથોરીટી મેળવી હતી.
અમદાવાદ ખાતે હેડ ઓફીસ ખોલી તથા ગુજરાતના અનેક શહેરોમાં બ્રાન્ચ ઓફીસ ખોલેલ. જે પૈકી અંકલેશ્વર શહેર ખાતે ONGC ત્રણ રસ્તા સર્કલ કુબેર પ્લાઝમા બીજા માળે યુવાનિધિ કંપની લીમીટેડની બ્રાન્ચ ઓફીસ કાર્યરત કરી હતી. અંકલેશ્વર ખાતે જનરલ મેનેજર તરીકે રફીક અબ્દુલ મજીદ મલેક તથા મેનેજર તરીકે તેનો પુત્ર જાવીદ રફીક મલેકને નિમણુંક આપી હતી.
આ રફીક અબ્દુલ મલેક અને જાવીદ રફીક મલેકએ હવેલી ફળિયામાં રહેતા ફરિયાદી સુરૈયા હનીફ શેખ તથા અન્ય રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપી તથા રોકેલ રૂપિયાને કાંઇ પણ નહીં થાય તેની જવાબદારી લઇ ફરીયાદી પાસે ટુકડે ટુકડે કુલ ₹29 લાખની ફીક્સ ડીપોઝીટ કરાવી હતી.
જે પાકતી મુદ્દતે મુળ રકમ તથા વ્યાજ પરત નહીં આપી અને અંકલેશ્વરની ઓફીસ બંધ કરી દઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપુત તથા ડેપ્યુટી એમ.ડી. શુશીલ શ્રી વાસ્તવ, અંકલેશ્વર બ્રાન્ચના જનરલ મેનેજર રફીક અબ્દુલ મજીદ મલેક તથા મેનેજર જાવીદ રફીક મલેક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવી છે. વિધવા મહિલાને વર્ષ 2017માં કામરેજની જમીન વેચાતા રૂપિયા 50 લાખ આવ્યા હતા. જેમાંથી તેઓએ આ રોકાણ કર્યું હતું.