ગુજરાતમાં કોરોનાકાળના વર્ષ 2020 માં કુલ 11,03,241 બાળકોનો જન્મ થયાની નોંધણી થઈ છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ)ના રિપોર્ટમાં આ બાબત જાહેર થઈ છે, બાળકોના જન્મ મામલે અમદાવાદ, સુરત, બનાસકાંઠા, દાહોદ અને રાજકોટ મોખરે છે.
અમદાવાદમાં સૌથી વધુ 1,15,701 બાળકોના જન્મની નોંધણી થઈ છે, જે પૈકી 1.03 લાખ અમદાવાદ શહેરમાં અને અમદાવાદ ગ્રામ્યમાં 11,709 બાળકના જન્મની નોંધણી થઈ છે. ગુજરાતમાં વર્ષ 2011 માં 12.80 લાખ બાળકના જન્મ નોંધાયા હતા, જોકે વર્ષ 2020માં 11.03 લાખ નોંધાયા હતા, આમ દાયકામાં પ્રથમ વાર કુલ સંખ્યાની દૃષ્ટિએ ઘટાડો નોંધાયો હતો. આ જ રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2020માં 12,119 નવજાત શિશુના મોત નોંધાયા હતા. નવજાત શિશુના મોત મામલે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા, સુરત અને જામનગર ટોચના સ્થાને છે. અમદાવાદમાં સૌથી વધુ 2,488 મૃત્યુ રજિસ્ટર્ડ થયા હતા.
ગુજરાતમાં અમદાવાદ પછી સુરતમાં 86,527, બનાસકાંઠામાં 77,073, દાહોદમાં 62,027 અને રાજકોટમાં 58,684 બાળકના જન્મની નોંધણી થઈ છે. બાળકોના જન્મ નોંધણી મામલે ગુજરાત દેશમાં સાતમા ક્રમે છે. સૌથી વધુ જન્મ નોંધણી ઉત્તર પ્રદેશમાં 48.54 લાખ થઈ છે. જ્યારે બિહારમાં 30.44 લાખ, રાજસ્થાનમાં 18.69 લાખ, મહારાષ્ટ્રમાં 17.12 લાખ, મધ્ય પ્રદેશમાં 16.53 લાખ, પિૃમ બંગાળમાં 14.75 લાખ જન્મ નોંધણી થઈ છે. ગુજરાતમાં પુરુષ જન્મ 5.77 લાખ, જ્યારે દીકરી જન્મ 5.25 લાખ નોંધણી થઈ છે. વર્ષ 2020 ના આ રિપોર્ટ પ્રમાણે દર એક હજારે 909 સ્ત્રી જન્મનો રેશિયો છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં વર્ષ 2011 માં 12.80 લાખ, 2012માં 12.76 લાખ, 2013માં 12.66 લાખ, 2014માં 12.05 લાખ, 2015 માં 12.54 લાખ, 2016 માં 12.52 લાખ, 2017 માં 11.66 લાખ, 2018 માં 11.68 લાખ, 2019 માં 11.73 લાખ અને વર્ષ 2020 માં 11.03 લાખ બાળકનો જન્મ નોંધાયો હતો.