વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર 25 દિવસ અગાઉ ગાય ભેટી મારતા વિદ્યાર્થીને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ મુલાકાત તેમજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પરંતુ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા હવે તેમણે એડવોકેટ મારફતે ૨૫ લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે.
10 મેના રોજ સાંજે નારાયણ સ્કૂલ પાસે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર ગાયનું શિંગડું જમણી આંખે વાગતા 17 વર્ષીય વિદ્યાર્થી હેનીલ નીતિનભાઇ પટેલની આંખ ફૂટી ગઈ હતી. ગુજરાત પ્રોવિંસિયલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા ઉપર અડચણરૂપ દબાણની કામગીરી વડોદરા કોર્પોરેશન તથા સંલગ્ન કર્મચારીઓની છે. ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસ કમિશનરની છે. કોઈ પણ પશુને જાહેરમાં રસ્તા પર રખડતું મૂકી ન શકે અને જો તેમ કરે તો તે અટકાવવાની ફરજ મ્યુનિસિપલ કમિશનર તથા તેમના તાબાના અધિકારી કર્મચારીઓની છે. આ માટે વડોદરા કોર્પોરેશનમાં અલાયદા વાહનોની તથા કર્મચારીઓની ફાળવણી પણ થઈ છે. આ ઘટનામાં અધિકારી કર્મચારીઓની બેદરકારીના કારણે હેનીલે આંખ ગુમાવી છે, જેથી પોલીસ વિભાગ અને કોર્પોરેશન વિભાગ પણ જવાબદાર બને છે. ગાય માલિક વિરુદ્ધ હજી સુધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ફરજ ચૂક કરવામાં આવી છે.