ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરના જૈન દેરાસરની પાછળ આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરમાં આજથી સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઝઘડિયા રામાયણ મંડળ દ્વારા આ સમસ્ત ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે ઝઘડિયા રામાયણ મંડળ તથા મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં ભાગવત કથાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બપોરે બે કલાકે ભીડભંજન હનુમાનજી મંદિરે પહોંચી હતી.
આજ રોજ તા. ૧-૬ થી ૭-૬ સુધી મનુકર્દમ સંવાદ, વરાહ અવતાર – ધૃવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, વમિન રામકૃષ્ણ જન્મ, નંદોત્સવ – ગોવર્ધન પૂજા, રૂક્ષમણી વિવાહ તથા સુદામા ચરિત્ર જેવા ઉત્સવો ઉપર અમદાવાદ શોલાવિદ્યા પીઠ સ્થિત અનંતકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. બપોરના બે થી સાંજના છ વાગ્યા સુધી સતત સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાશે. ભાગવત કથા બાદ દરરોજ સાંજે ભીડભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં નગરજનો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તથા પ્રસાદી નો લાભ લેવા રામાયણ મંડળ દ્વારા નગરજનોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ