છોટાઉદેપુર ખાતે રૂ.૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા પોલીસ અધ્યક્ષ કચેરી સહિત વિવિધ ભવનો અને કુલ ૨૨૪ આવાસોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ – લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના પોલીસ હેડક્વાર્ટસ ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, ટ્રાયફેડના અધ્યક્ષ અને માજી સાંસદ રામસિંગ રાઠવા, જિલ્લા ન્યાયાધીશ પી.વી.શ્રીવાસ્તવ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી સહિત પોલીસ સ્ટાફ ગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત છોટાઉદેપુર વિસ્તારની વિશેષ અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવતી આદિવાસી નૃત્યકલા સાથે કરવામાં આવી હતી. જેણે કાર્યક્રમમાં હાજર સૌ મહેમાનો અને પ્રજાજનોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યના ૨૫ જિલ્લામાં એકસાથે વિવિધ ભવનોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં અનેક વિકાસ કાર્યો હાથ ધર્યા છે. તેમાં સામાન્ય ગરીબ પરિવારથી લઈને એક નાના કર્મયોગની પણ રાજ્ય સરકાર ચિંતા કરે છે તેમાંય રાજ્યના કાયદો અને વ્યવસ્થાની મોટી જવાબદારી જેના શિરે છે તેવા પોલીસ કર્મયોગીઓ કે જેઓ હંમેશા કોઈપણ તડકો – છાયડો કે કોવિડ જેવી મહામારીમાં પોતાનું કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત પ્રજાહિતમાં કાર્યશીલ તેવા પોલીસ કર્મીઓના પરિવારની ચિંતા કરીને તેમના માટે અદ્યતન આવાસની સુવિધા ઊભી કરવામાં આવી છે .સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે , આપણો જિલ્લો ત્રિવેણી સંગમ એવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં આવેલો છે. આપણો વિસ્તાર પહેલા વડોદરા જિલ્લા હેઠળ આવતો હતો અને અહીંના વિસ્તારમાં વર્ષોથી જુદા જુદા પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ વધી રહયું હતું.પરંતુ જિલ્લો બન્યા પછી પોલીસ હેડક્વાર્ટર મળતા અને પોલીસની કુનેહથી અને રાજ્ય સરકાર દ્વારા પોલીસને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરાતા આપણા જિલ્લામાં ગુન્હાખોરીના પ્રમાણમાં ઘણો ઘટાડો થયો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર સતત પોલીસ વિભાગની ચિંતા કરતી આવી છે અને પોલીસમાં નવી ભરતી સાથે યુવા જોશ અને કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના લીધે જ કોવિડ જેવી મહામારીના સમયમાં પણ પોતાના જીવ કે પરિવારની ચિંતા વગર પોલીસ કર્મચારીઓ સતત પ્રજાની પડખે ઉભા રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૯ માં તત્કાલીન સાંસદ અને મને આપણા યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બોલાવી અને છોટાઉદેપુર વિસ્તારમાં વિકાસ માટે કંઈક નવી રૂપરેખા ઘડવાની વાત કરી અને ત્યારે છોટાઉદેપુર વિસ્તારને 2013 માં જિલ્લો બનાવવામાં આવ્યો એના પછી આપણો જિલ્લો સતત પ્રગતિના શિખરો સર કરતો રહ્યો છે. જેના જ ભાગરૂપે આજે પોલીસના રહેણાંક અને બિનરહેણાંક ભવનોનું 63 કરોડના ખર્ચે નિર્માણ કરીને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પોલીસ આવાસ નિગમ દ્વારા રાજ્યમાં અલગ અલગ શહેર જિલ્લાઓ ખાતે નવનિર્મિત બિન રહેણાંક, રહેણાંક આવાસોનું ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે . જેમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે રૂ ૪૭,૧૮,૧૪૦૦૦/- ના ખર્ચે આવાસ, ૧૫,૦૯૩૦૦૦ /- ના ખર્ચે પોલીસ હેડ ક્વાર્ટર અને અન્ય કચેરીઓનું ઇ- લોકાર્પણ થશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે આવી અધતન વિશેષ સુવિધા સાથેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તો પોલીસે પણ ફરજમાં અગ્રેસર રહેવું પડશે. કાર્યક્રમના અંતે જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા જિલ્લામાં અકસ્માત નિવારવા માટે બનાવેલી એક લાગણીશીલ ડોક્યુમેન્ટ્રીનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 181 મહિલા હેલ્પ લાઇન અને ડ્રગ કંટ્રોલ શાખા દ્વારા પણ આ ડોક્યુમેન્ટ્રીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા પછી બધા જ મહેમાનો અને સર્વે હાજરજનોએ પોલીસ આવાસો અને પોલીસ હેડ ક્વાર્ટસની પણ મુલાકાત લીધી હતી.
છોટાઉદેપુર વિસ્તારને 2013 માં જિલ્લાનું સ્વરૂપ આપ્યા પછીથી અત્યાર સુધી પોલીસ હેડ ક્વાર્ટસ અને પોલીસ આવાસ માટે ભાડાના મકાનનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આજે ૬૩ કરોડના ખર્ચે પોલીસ વિભાગને રહેણાંક અને બિનરહેણાંક ભવનનું લોકાર્પણ કરાતા પોલીસ બેડામાં પણ એક ઉત્સાહનું મોજું જોવા મળ્યું હતું.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર