વડોદરામાં મેયરના વોર્ડમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. ભર ઉનાળે ખુદ મેયરના વોર્ડમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે મેયર કેયુર રોકડિયાના વોર્ડ નંબર 10 માં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થયો હતો. પાણીની લાઈનમાં ભંગાણને કારણે પીવાનું શુદ્ધ પાણી વરસાદી કાંસમાં જતું રહ્યું હતું. અવારનવાર ડ્રેનેજ લાઇનનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં વારંવાર અહીં પાણીનું લીકેજ બંધ થતું નથી. ખુલ્લી વરસાદી કાંસમાં અનેક વખત પસાર થતા રાહદારીઓ પણ ફસાઇ જવાના કિસ્સાઓ સામે આવતા રહે છે તેમ છતાં જાડી ચામડીના સત્તાધીશો દ્વારા અને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી. આજે વરસાદી કાંસમાં લાખો લિટર પીવાનું શુદ્ધ પાણી વહી ગયું છે, ખરેખર આ પાણી આ વિસ્તારની જનતાને મળવું જોઈએ પરંતુ મેયરની નિષ્ક્રિયતાને કારણે આજે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.