ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળેલ કે ડેડીયાપાડાથી એક બોલેરો પીકપ ગાડી વાલિયા તરફ આવે છે. તેમા ડુંગળીના કટ્ટા ભરેલા છે,અને જેની આડમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે. આ બાતમીને લઇને પોલીસે પંચોને સાથે રાખીને વોચ ગોઠવી હતી, તે દરમિયાન મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને રોકીને સાઈડમાં ઉભી રખાવી હતી. આ દરમિયાન ગાડીની ખાલી સાઈડેથી એક ઈસમ ઉતરી ભાગી ગયેલ. પોલીસે ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામ સરનામું પુછતા તેણે પોતાનું નામ દુર્ગેશ બાલારામ ચૌધરી તેમજ રહેવાસી લુનાડા જી.બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું.
સદર બોલેરો ગાડીમાં શું ભરેલ છે તે બાબતે તે કોઈ હકિકત જણાવતો ન હોઇ તેમાં તપાસ કરતા અંદર ડુંગળીના કટ્ટા ભરેલ હતા. તપાસ કરતા ડુંગરીની આડમાં નીચેના ભાગે ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હોવાનું જણાયું હતું. બોલેરોના ચાલકને સાથે રાખી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, અને ગાડીમાં ભરેલ ડુંગળીના કટ્ટા અલગ કરી નીચે ઉતારેલ, અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૩૬૦ નંગ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા ૩,૩૬,૦૦૦ તેમજ ટીન બીયર નંગ ૪૮૦ કિ.રૂ .૪૮૦૦૦ કુલ રૂપિયા ૩,૮૪,૦૦૦ નો વિદેશી દારુ, બોલેરો પીકપ ગાડી કિંમત રૂપીયા ૫,૦૦,૦૦૦, ડુંગળીના કટ્ટા નંગ ૨૦ કિંમત રૂ.૪૦૦૦ તથા એક મોબાઈલ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂપિયા ૮,૯૩,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. આ ગુનામાં પકડાયેલ આરોપી દુર્ગેશ બાલારામ ચૌધરી રહે.લુનાડા, જી.બાડમેર,રાજસ્થાન વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ