માંગરોળના તાલુકા વિકાસ અધિકારીના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ તાલુકા પંચાયત કચેરી સામે પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી જવાબદાર તાલુકા વિકાસ અધિકારી સસ્પેન્ડ કરી ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે.
માંગરોળના તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર લાંચની રકમ સ્વીકારી રહ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે અંગે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરી સામે માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની આગેવાનીમાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો ધરણાં બેઠેલા ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી એ જણાવ્યું કે તાલુકા વિકાસ અધિકારીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે તેઓ આ ગુનામાંથી બચવા માટે અને સરકારને વ્હાલા થવા માટે તેઓ ખોટા ખોટા નિવેદનો કરી રહ્યા છે અમારી ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે કે આ બાબતે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. પ્રતીક ધરણાં પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના આગેવાનો પોસ્ટર બેનરો લઈ ભ્રષ્ટાચારી ટીડીઓ ને દૂર કરો જેવા સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરી મામલતદાર કચેરી ગુંજવી હતી. આગેવાનો એ ફરજ પરના નાયબ મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી માંગરોળના ટીડીઓ સતત વિવાદમાં રહ્યા છે તેઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તે જરૂરી છે. તેઓ ફાઈલો ઉપર સહી કરી કામના બદલામાં લાંચની રકમ સ્વીકારતાં વાયરલ વિડીયોમાં નજરે પડી રહ્યા છે જે વીડિયોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે. વધુમાં તેઓ એ તાલુકામાં આવાસ યોજના સ્ટ્રીટ લાઈટ સહિત વિકાસના કામોમાં ખુલ્લો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, રમણભાઈ ચૌધરી, નિવૃત્ત કલેકટર જગતસિંહ વસાવા, અનિલ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, ઈરફાન મકરાણી, રૂપસિંગ ગામીત, શાહબુદ્દીન મલેક, કેતન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ