Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અકસ્માતમાં રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મૃત્યુ

Share

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે ચઢતા પહોરે મીઠોઈ ગામના પાટિયા પાસે મોટરકાર અકસ્માતમાં કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

ગાંધીનગર ખાતે આજરોજ યોજવામાં આવેલા સ્વચ્છતા અભિયાન સંદર્ભેની મિટિંગમાં કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ મોટરકાર મારફતે જઈ રહ્યા હતા. રાવલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈ સિંગરખીયા સહિતના કર્મચારીઓ આજે વહેલી સવારે બલેનો મોટરકારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખંભાળિયા – જામનગર હાઈવે પરથી આશરે પંદર કિલોમીટર દૂર મીઠોઈ ગામના પાટિયા પાસે કંપની નજીકના ડાઈવર્ઝન નજીક સીંગલ રસ્તો હોવાથી સામેથી આવી રહેલી એક અર્ટીગા કાર સાથે આ બલેનો મોટરકારની ટક્કર થઈ હતી. જેમાં બેઠેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં કારમાં ફસાયેલા નીતિનભાઈ કાગડીયા નામના યુવાનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ કારસવારને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈ સિંગરખીયાનું પણ અવસાન થયું હતું.

Advertisement

આ અકસ્માતમાં રાવલના કર્મચારીઓની બલેનો સાથે નડિયાદ તરફથી આવતી અર્ટિગા કાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેની પાછળ આવી રહેલી એક ટાવેરા મોટરકાર પણ ટકરાઈ હતી. જેમાં મહિલાઓ સહિત પાંચેકને નાની-મોટી ઇજાઓ સાથે આ મુસાફરોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આ માર્ગ પરથી પસાર થયેલા ખંભાળિયા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢાએ ઘવાયેલાઓને જરૂરી સારવાર આપવા માટે જરૂરી મદદ કરી, ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પાલિકાના સીનીયર કલાર્ક જે.બી. ડગરા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામનગર પહોંચાડવામાં આવ્યા હતા. આ બાબત રાવલ નગરપાલિકા સ્ટાફને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ બનાવની કરુણતા તો એ હતી કે બંને મૃતક યુવાનો નગરપાલિકાના હંગામી કર્મચારી તરીકે વર્ષોથી ફરજ બજાવતા હતા. અને ગાંધીનગર ખાતે મીટીંગ હોવાથી નીકળેલા આ કર્મચારીઓની અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવની જાણ થતા રાવલ નગરપાલિકાના રાકેશભાઈ થાનકી તથા અન્ય કર્મચારીઓ મૃતદેહને વતન લઈ જવા માટે ખંભાળિયા તથા જામનગર પહોંચ્યા હતા. આ બનાવે રાવલ નગરપાલિકા સ્ટાફ સાથે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.


Share

Related posts

નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાત લીધી

ProudOfGujarat

એક યુવાને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચ રેલવે કોલોનીથી નંદેલાવ વિસ્તારમાં વારંવાર વીજ ફીડર ઉડી જવાથી રહીશોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!