નર્મદા જિલ્લાના બારખાડી ગામે ખેતતલાવડી આવેલ છે. આ મામલે વનવિભાગની ટીમ પર સ્થાનિકોએ પત્થર મારો કરતાં દોડધામ મચી ગઈ હતી. જેમાં બે બીટ ગાર્ડને ગંભીર ઇજાઓ થઇ હતી. જોકે આ બનાવની ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બારખાડી ગામે એક ખેત તલાવડી બનાવવાની હતી. જે માટે ગોરા રેન્જની વનકર્મીઓની ટીમ બારખાડી પહોંચી હતી. જ્યા કેટલાક સ્થાનિક લોકો જંગલ જમીનનું ખેડાણ કરી રહયા હતા. જે અંગેની જાણ થતા ગોરા રેંજના આર.એફ.ઓ વિરેન્દ્રસિંહ ઘરીયાની ટીમ ત્યાં પહોંચી હતી. જમીન ખેડતા અટકાવવા જતા સ્થાનિકો રોષે ભરાયા અને વન કર્મીઓની ટીમ ઉપર પથ્થરમારોશરૂ કરી દીધો હતો. જેમાં વનવિભાગના બીટગાર્ડ યતીશ તડવી, અને અંબાલાલ તડવી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ કર્મીઓને તાત્કાલિક ગરૂડેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. વન વિભાગ પર હુમલો થતાં વન વિભાગ દ્વારા ગામના આઠ લોકો સામે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.એમની સામે
સરકારી કામમા રૂકાવટ કરી વન વિભાગના સ્ટાફ પર હૂમલો કરવાના ગુન્હાની ફરિયાદ આપી છે.
આ અંગે ગોરા રેન્જના આરએફઓ વિરેન્દ્રસિંહ ઘરિયાએ જણાવ્યું હતું કે જ્યારે પણ સ્થાનિકોને હટાવવા જઇએ ત્યારે વનકર્મીઓ પર અવારનવાર હુમલા થાય છે. આદિવાસીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા જંગલની જમીનો ખોદી ખેતી કરે છે પરંતુ સરકારના પ્રોજેક્ટો હેઠળ તેમની જમીનો સંપાદિત કરવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા ડેડીયાપાડા ખાતે, હરિપુરાથી ઉપરના ગામોમાં હુમલાઓ થયાનો રેકોર્ડ છે. આ વખતે પથ્થર મારામાં બે કર્મીઓ ઘાયલ થયા છે. વન વિભાગ આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
દીપક જગતાપ, રાજપીપલા