કોરોનાની દહેશત પછી સમગ્ર યુરોપના દેશોમાં મંકીપોક્સ નામના રોગથી ભયકંર ગભરાટ ફેલાયો છે તો બીજી તરફ ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તામિલનાડુમાં વિદેશથી આવતા મુસાફરો માટે સ્ક્રિનિંગ માટે અલગ જ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જો કે આ બાબતે હજુ ગુજરાતમાં કોઈ તકેદરીના પગલાં લેવામાં આવ્યા નથી.
અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંકિપોક્સની તકેદારીના ભાગરૂપે અલાયદો વોર્ડ ઉભો કરવાની તસ્દી લેવામાં આવી નથી. નોંધનીય છે કે કોરોના મહામારી શરૂઆતમાં મુસાફરોની આવન જાવન પર કોઈ રોક હતી નહીં અને શરૂઆતમાં તેનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવતું ન હતું જેના કારણે કોરોનાની દેશમાં એન્ટ્રી થઇ હતી.
ગુજરાતમાં પણ કડક સુરક્ષાના અભાવને કારણે કોરોનાનો ચેપ સરળતાથી પ્રવેશી ગયો હતો. જો મંકિપોક્સ ગુજરાતમાં પ્રવેશી લેશે તો જવાબદારી કોના પર આવશે અને ગુજરાત સરકાર શું પગલાં લેશે? અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગની કામગીરી ન થતા હોવાથી ઝડપથી ફેલાયેલો મંકીપોક્સને ખુલ્લું આમંત્રણ તંત્ર આપી રહ્યું છે.