માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના હનુમાનજી મંદિરે સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ધર્મ પરિવર્તન કરી અનામત સહિત ડબલ લાભ લેનારા લોકોને અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરવાની પ્રબળ માંગ સાથે સંતો અને આગેવાનોએ ધર્મ પરિવર્તન કરાવનારા સંગઠનો વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા.
ભારત દેશ આઝાદ થયા પછી ભારતના બંધારણના ઘડવૈયાઓએ અનુસૂચિત જનજાતિ માટે અનામતની જોગવાઇઓ કરી છે જેમાં કલમ ૩૪૨ ના આધારે જે લોકો સનાતન કાળથી પોતાની એક સાચા આદિવાસી તરીકેની આગવી સંસ્કૃતિ પરંપરામા માનતા આવ્યા છે તેઓને અનુસૂચિત જનજાતિનું દરજ્જો બંધારણીય રીતે આપવામાં આવ્યો છે પરંતુ હાલના સમયે કેટલાક લોકો પોતાની સંસ્કૃતિ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે તેવા ૮૦ ટકા લોકો આદિવાસી જનજાતિના અનામત સહિતના લાભો ખોટી રીતે લઈ રહ્યા છે ત્યારે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ મુદ્દે દેશ વ્યાપી આંદોલન શરૂ કરાયું છે જેના ભાગરૂપે ઝંખવાવ ખાતે અરવિંદભાઈ વસાવા, ચંપકભાઈ ચૌધરી સહિત જન જાતિ સુરક્ષા મંચના સભ્યો દ્વારા શોભાયાત્રા અને જાહેર સંમેલનનું આયોજન ઝંખવાવ હનુમાનજી મંદિરે કરાયું હતું. સવારે ભારતમાતા અને ભગવાન બિરસા મુંડાની વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
આ પ્રસંગે યોજાયેલી સંમેલનમાં ગુજરાત પ્રાંતના સહ સંયોજક ભગુભાઈ ચૌધરી એ સ્વાગત પ્રવચન કરી સંતો અને આગેવાનોને આવકારી ધર્મ પરિવર્તન કરી અનામત સહિતના અનેક ખોટા લાભો લેનારા લોકો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. આ પ્રસંગે ધરમપુરના જશોદા દીદી, મોતીરામ મહારાજ સહિત અનેક વક્તાઓએ ખોટા લાભ લેનારા લોકો વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતાં. સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા એ સંબોધન કરતા જણાવ્યું કે આખા દેશ લેવલે ધર્મ પરિવર્તન કરનારા લોકો દ્વારા અનુસૂચિત જનજાતિ સમાજના હક્ક અને અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે જેને લઇ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. દેશમાં જે જ્ઞાતિને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યા છે છતાં ધર્મ પરિવર્તન કરી ડબલ લાભ લઈ ખરા આદિવાસીના હક અને અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. ભગવાને જે કુળમાં જન્મ આપ્યો તેમાં દરેકે સ્વભાવિક રીતે જીવન જીવવું જોઈએ પરંતુ ધર્મ પરિવર્તન કરવું એ રાષ્ટ્રહિત માટે નુકસાનકારક છે. ઉપરોક્ત સંમેલનમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી વિપુલભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ ચૌધરી, જગદીશભાઈ પટેલ, અતુલભાઇ પટેલ, જન જાતિ કલ્યાણ આશ્રમના યોગેશભાઈ ગામીત સહિત મોટી સંખ્યામાં જનજાતિ સુરક્ષા મંચના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ