હાલ નર્મદામાં 42 ડીગ્રી તાપમાન ગરમી પડી રહી છે, જેમા વધુ પડતી ગરમીને કારણે ફૂલ ઝાડ કરમાઈ જાય છે કાં તો સુકાઇ જાય છે, જેમા નજાકતવાળા નાજૂક ફૂલો તો ગરમી સહન કરી શકતા નથી. પરંતુ કુદરતનો કરિશ્મા કમાલ પણ ભર ઉનાળામાં ગરમાળો અને ગુલમહોરના ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠતા હોય છે.
હાલ નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ઠેર ઠેર ખીલી ઉઠયા છે. સામાન્ય રીતે અન્ય ફૂલો ગરમીમાં કરમાઇ જાય છે જ્યારે એકમાત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે. પીળા ચટાક ફૂલોના લટકતા ગરમાળાના ફૂલોના ઝૂમખાંનુ અનેરુ સૌદર્ય આંખને ઠંડક આપે છે. એપ્રીલ અને મે માસમાં અસહય ગરમીની સીઝનમાં ગરમાળાના ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠે છે. ધોમધખતા તાપમાં વટેમાર્ગુઓ રસ્તેથી પસાર થતા હોય ત્યારે પીળા ચટટક ફૂલોનું અદભુત સૌદર્ય જોઇને નજર ઠરી જાય છે અને બે ઘડી થંભી જવાનું મન થાય છે, મન ભરીને નિહાળવાનું મન થાય એવા આંખોને ઠંડક આપતા ગરમાળો ઉનાળુ ફૂલ તરીકે જાણીતું છે. એમ કહેવાય છે કે આ ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ લાગતી નથી.
ગરમાળાનુ વૈજ્ઞાનિક નામ કેસીયા ફીસ્યુલા છે. ગરમાળા વિશે ઘણી પ્રચલીત માન્તાઓ છે જેમ કે આ ફુલ વરસાદની આગાહી પણ કરે છે એમ કહેવાય છે કે ગરમાળાના વૃક્ષ પર સંપૂર્ણ ફુવો બેસી જાય તે દિવસથી વરસાદના આગમનને શરુઆત થઈ જાય છે, જેટલા વધારે ફૂલ બેસે તેટલો વધારે વરસાદની શક્યતા રહે છે. ગરમાળાના વૃક્ષની આજુબાજુ કીડીનો રાફડો પણ જોવા મળે છે, તે વૃક્ષ નીચેની જમીનમાં ૧૦૦ મીટરે જ પાણી
આવી શકે છે. જે વૃક્ષ નીચે માત્ર પીળા ફૂલો ઉગ્યા હોય તે જમીન નીચે ઓછા પાણીનો સ્ત્રોત મળે છે, જ્યારે સફેદ અને પીળા રંગના ફૂલો હોય તો પાણીનો જથ્થો વધારે હોય છે. ફૂલોની સાથે સીંગો પણ લટકતી હોય છે.તે પણ આયુર્વેદીક ઔષધિનુ મહત્વ ધરાવે છે. તેમાથી ચીકણો સ્ત્રાવ ઝરે
છે, તેને ગરમાળાનો ગોળ કહે છે. રાત્રે આ ગોળને પાણીમા પલાળી, સવારે તે પાણી પીવાથી કબજીયાત,પેટના રોગોમાં રાહત રહે છે. હાલ નર્મદામાં ગરમાળાનાં પીળા ચટાક ફૂલો સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયુ છે.
દીપક જગતાપ, રાજપીપલા