ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીએમડીસીની સ્થાપનાના ૫૯ વર્ષ પુર્ણ થતાં તા.૧૫ મી મે ના રોજ રાજપારડી કડીપાણી તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટસનો સંયુક્ત કાર્યક્રમ રાજપારડી જીએમડીસી મેદાન ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જીએમડીસી રાજપારડીના જનરલ મેનેજર એસ.ડી.જાગાણી તેમજ અે.ડી.ચૌહાણ, પી.વી.ગઢવી, મિતેશ ઉમરીયા, આકાશભાઇ સહિત અન્ય પ્રોજેક્ટસના અધિકારીઓ, રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.વી.ગઢવીએ સ્વાગત પ્રવચન દ્વારા સહુને આવકાર્યા હતા. મિતેશ ઉમરીયા તેમજ એં.ડી.ચૌહાણે અત્રે પધારેલ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
જીએમડીસી રાજપારડીના અધિકારી એસ.ડી.જાગાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જીએમડીસીની ઉત્તરોત્તર પ્રગતિની જાણકારી આપી હતી. ૧૯૬૩ ના વર્ષથી સુરેન્દ્રનગર જીલ્લામાં એક નાના સિલિકા પ્લાન્ટથી શરુ થયેલ જીએમડીસીએ તેની સ્થાપનાના ૫૯ વર્ષો દરમિયાન ખુબ મોટી પ્રગતિ કરી છે. જીએમડીસી એ ૨૦૨૧ અંતર્ગત રુ.૭૩૬ કરોડ નફો કર્યો હતો, અને આગામી સમયમાં જીએમડીસી દ્વારા રુ.બે હજાર કરોડ નફો કરવાનું લક્ષ્ય હોવાની વાત આ પ્રસંગે કરવામાં આવી હતી. જીએમડીસીએ લિગ્નાઇટના વેચાણમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યુ છે. આગામી વર્ષો દરમિયાન ૬ જેટલા નવા પ્લાન્ટસ પણ શરુ કરવામાં આવનાર છે. જીએમડીસી દ્વારા સોલર પ્રોજેક્ટ પણ કાર્યરત કરાયો છે. આજરોજ જીએમડીસીની ૫૯ વર્ષની સફળ સફર વિષે બોલતા એસ.ડી.જાગાણીએ આ પ્રસંગે જીએમડીસીની ઉત્તરોત્તર પ્રગતિમાં સહભાગી બનનાર સહુનો આભાર માન્યો હતો. આયોજિત સમારોહમાં યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમનો આમંત્રિતોએ લાભ લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ