– લાભાર્થી સાથે વાતચીત દરમિયાન મોદી થયા ભાવુક
– ભરૂચના જુના દિવસો યાદ કરી મિત્રોને મોદીએ કર્યા યાદ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપક્રમે ભરૂચના દુધધારા ડેરીના ગ્રાઉન્ડ પર ઉત્કર્ષ સમારોહ યોજાયો હતો, આ સમારોહ અંતર્ગત રાજ્ય સરકારની ગંગા સ્વરૂપ બહેનોને નાણાંકિય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રમોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરર્ચ્યુલ ઉપસ્થિતિમાં જિલ્લાના ત્રણ જેટલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં તેઓએ યોજનાઓના લાભ અંગેના અનુભવ અને તેના ફાયદા વિષે માહિતી મેળવી હતી, ભરૂચના વાગરાના વતની અને છેલ્લા ૧૫ વર્ષથી પોતાની આંખની રોશની ગુમાવી ચૂકેલા ઐયુબભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ સાથે વરર્ચ્યુલ સંવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરતા કરતા ભાવુક થયા હતા, તો કાર્યક્રમ સ્થળે પણ ઐયુબ ભાઈ અને તેઓના પુત્રી આલિયા પી.એમ સાથે વાત કરતા કરતા ભાવુક થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર અને ભરૂચના વહીવટી તંત્રએ ઉત્કર્ષ યોજનામાં કરેલા ૧૦૦% કામની પ્રશંસા કરી અભિનંદન પણ પાઠવ્યા હતા, સાથે પ્રધાનમંત્રી મોદીએ ભરૂચના તેઓના જુના મિત્રોને પણ યાદ કર્યા હતા અને વર્ષો પહેલા ભરૂચમાં તેઓની ઉપસ્થિતિની યાદોને તાજી કરી હતી સાથે જ ભરૂચના મુક્તિ નગર, પાંચબત્તી, લલ્લુભાઇનો ચકલો જેવા વિસ્તારોના પહેલાના રસ્તાઓ વિશેનો ઉલ્લેખ પણ કર્યો હતો અને શક્તિનગર વિસ્તારમાં થયેલ તેઓની સભા અને તેમાં ઉમટેલી ભીડને યાદ કરી તેઓએ કોંગ્રેસ હવે ભરૂચ જિલ્લામાં નહિ જીતે તેમ પત્રકારો સાથે કરેલી વાતને તાજી કરી વર્તમાન સમયમાં કોંગ્રેસની એ જ દશા ભરૂચમાં છે તેવો કટાક્ષ પણ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના વરર્ચ્યુઅલ સંબોધનમાં ભરૂચ, અંકલેશ્વર વર્તમાન સમયમાં ટ્વીન સીટી તરીકે નિર્માણ થયું છે તેમ પણ જણાવ્યું હતું સાથે જ તેઓએ વડોદરા, મુંબઈ એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ યોજના, બુલેટ ટ્રેન પ્રોજેકટ સહિતના કાર્યો ઝડપી થઇ રહ્યા છે તે બદલ મુખ્યમંત્રીને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ભરૂચ ખાતે યોજાયેલ ઉત્કર્ષ યોજના સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ભરૂચ ભાજપના પ્રભારી પુર્ણેશ
મોદી, જિલ્લા ભાજપના તમામ ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિત લાભર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ