ભરૂચ શહેરમાં સામાન્ય રીતે રસ્તાઓ પહોળા નથી જેના પગલે શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે, રસ્તાઓ પર પાર્કિંગની યોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે શહેરીજનો રસ્તાની સાઇડ પર જ પોતાના વાહનો પાર્ક કરી જે તે દુકાનોમાં માલસામાનની ખરીદી કરે છે એમાં પણ પોલીસ વિભાગની ટોઈંગ ગાડી ગમ્મે ત્યારે વાહનોને લઇ જઈ શહેરીજનો પાસેથી દંડનીય રકમ વસૂલી કાયદાના પાઠ ભણાવતા હોય તેવી અનેક ઘટનાઓ બની છે.
ત્યારે આજ કાલ શહેરની મધ્યમાં પાંચબત્તી વિસ્તારના મુખ્ય માર્ગને એડીને આવેલ રિલીફ સિનેમા ઘરને તોડી થઇ રહેલા નવા બાંધકામમાંથી માટી ખોડીને તેને અન્ય સ્થાને લઈ જવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે એક તરફ શહેરીજનો સામે લાલઆંખ કરતી ટ્રાફિક પોલીસ જાણે કે આ બિલ્ડરો સામે નરમ પડી હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ગોપાલ રાણા એ કર્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે સવારથી સાંજ સુધી ભારદાર અને મોટા વાહનોને શહેરી વિસ્તારમાં પ્રવેશ બંધી છે, તેમ છતાં આ બિલ્ડરોના દોડતા મોટા હાઈવા ટ્રક શહેરમાં બિન્દાસ માટી ભરીને મુખ્ય માર્ગો પરથી દિવસ દરમિયાન પસાર થઇ રહ્યા છે, અને એટલું જ નહીં ત્રણ જેટલા શહેરના મુખ્ય સર્કલો પાર કરીને જતા આ ટ્રકો સામે પોલીસ તંત્ર પણ કોઈ એક્શન નહિ લઇ નરમ વલણ અપનાવી રહ્યું છે, તેવા આક્ષેપો સાથે ગોપાલ રાણાએ આ પ્રકારે તંત્રના જાહેર નામાનો ભંગ કરતા હાઇવા ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી અને નહિ કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા પાંચબત્તી વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
હારુન પટેલ : ભરૂચ