Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને લાભ આપવામાં દેશનો પ્રથમ જિલ્લો બન્યો ભરૂચ.

Share

સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ ચાર યોજનામાં કુલ ૧૩ હજાર કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી તા. ૧૨ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે.

ઉત્કર્ષ પહેલ અભિયાન અંગે સમુહ માધ્યમો સાથે વાતચિત કરતા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે.

Advertisement

જેમાં સર્વ પ્રથમ સોશ્યલ મીડિયા ઉપર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેના માધ્યમથી પાત્રતા ધરાવતા નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. બાદમાં સ્થળ ઉપર જ કેમ્પ રાખી યોજનામાં જરૂરી તમામ આધાર પૂરાવાઓ કાઢી આપવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના અથાક પ્રયત્નોને પરિણામ સ્વરૂપ માત્ર ત્રણ માસમાં ૧૩ હજાર કરતા વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.

આટલું જ નહીં, હેલ્પલાઇન ઉપરાંત ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને સરકારી કર્મયોગી થકી ગામોમાં ફરી સર્વે હાથ ધરવામાં આવ્યા હતા અને બાકી રહી ગયેલા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. એ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને શોધી આપી, તેના લાભો મંજૂર કરાવવાની કાર્યવાહીમાં મદદ કરે તે મદદગાર વ્યક્તિને રૂ. ૨૫૦નું ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આવા મદદગારોને રૂ. ૮ લાખના ઇનામો આપવામાં આવ્યા હતા.

એ બાદ એક સપ્તાહ માટે ઇનામની રાશી બમણી કરી રૂ. ૫૦૦ જાહેર કરવામાં આવી પણ, એક પણ લાભાર્થી મળ્યા નહી. મતલબ કે સો ટકા લાભાર્થીઓને આવરી લેવામાં સફળતા મળી છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી રીતે સો ટકા લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા નથી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે આહ્વાન કર્યું હતું કે સરકારની યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવે. તેના પ્રતિસાદરૂપે આ ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલની સાથે આ તમામ લાભાર્થીઓને એનએફએસએના રાશન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.

કલેક્ટર સુમેરાએ ઉમેર્યું કે, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં એમઆરએફ ટાયરના સીએસઆર સહયોગથી જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાર્ડ કાઢી આપનાર ઓપરેટરને રૂ. ૩૦ નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આરોગ્ય ઉત્કર્ષ પહેલમાં સો ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક છે.

જિલ્લા સેવા સદન ખાતે દાખલ કરવામાં આવનાર વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ બાબતે કલેક્ટર એ કહ્યું કે, હવે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના પશ્નો લઇ રજૂઆત કરવા આવતા મુલાકાતીઓ માટે ઉક્ત વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. જેમાં મુલાકાતી અને તેની રજૂઆતને ઓનલાઇન નોંધવામાં આવશે. બાદમાં ૨૦ જેટલા નાયબ મામલતદારો દ્વારા તેનું ફોલોઅપ લેવામાં આવશે. આવા પ્રશ્નોને વિવિધ શ્રેણીમાં વિભાજીત કરી સરળતાથી ઉકેલી શકાય તેવા, સ્થાનિક, રાજ્યકક્ષાએ અને ઉકેલી ના શકાય એવી શ્રેણીમાં વિભાજીત કરી તેની સ્થિતિની અરજદારને જાણ કરવામાં આવશે.

દર માસના ત્રીજા શનિવારે મળતી સંકલન સમિતિની બેઠકમાં પણ ટેક્નોલોજીનો વિનિયોગ કરી ઇ-સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જનપ્રતિનિધિઓ પોતાની રજૂઆત ઓનલાઇન કરશે અને તેનું નિરાકરણ કરી જવાબ પણ ઓનલાઇન કરવામાં આવશે. આવી પહેલ કરનાર ભરૂચ જિલ્લો દેશમાં પ્રથમ છે.

કલેક્ટરએ કહ્યું કે, વડાપ્રધાન ભરૂચ જિલ્લા સાથે વર્ચ્યુઅલી જોડવાના છે, તે અમારા માટે ગૌરવની વાત છે. જરૂરતમંદોને સહાય કરવાથી સમગ્ર વહીવટી તંત્રને કાર્યસંતોષ મળ્યો છે.

આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના અગ્રણી પ્રવીણભાઇ તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલ ઉપરાંત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અમદાવાદમાં પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની મુલદ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત.

ProudOfGujarat

ભરૂચ : રાજયોમાં ATM કાર્ડ ક્લોનીંગ કરી ડુપ્લીકેટ ATM કાર્ડથી લાખો રૂપિયાનો ઉપાડ કરતી આંતરરાજય ગેંગ ઝડપાઈ જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!