ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામના પાટીયા પાસેના જોખમી ટર્નિંગમાં કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનો કાળનો કોળિયો બની જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઇજાઓ થતા હાલ સારવાર હેઠળ છે.
વાલીયા ગામની સરદારનગર સોસાયટી ખાતે રહેતા કુલદીપસિંહ રામસિંહ દેવધરા અને તેમના મિત્ર હાર્દિકકુમાર રમેશભાઈ શાહ રહે. વાલીયા ગામ હાઉસિંગ બોર્ડ સોસાયટી આ બંને મિત્રો અંકલેશ્વર ગયા હતા ત્યારે અન્ય તેમના મિત્રો સાગરસિહ હિમ્મતસિંહ ચાવડા રહે. ભરૂચી નાકા અંકલેશ્વર હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર રહે સંજય નગર બી એસ એન એલ ઓફિસ સામે અંકલેશ્વર તેમજ સુમિત નટવરભાઈ ચાવડા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર આ પાંચ મિત્રો ભેગા થયા હતા ત્યારે હનુમાન ઉર્ફે તેજસ બાવિસ્કરે મિત્રોને જણાવવાનું કે આપણે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં જવાનું છે જેથી તમામ મિત્રો તૈયાર થયા હતા અને કુલદીપસિંહ રામસિંહ દેવધરાની માલિકીની મારુતિ સુઝુકી બ્રિઝા ગાડી નંબર G J 16 B N 1253 માં સાંજના સમયે અંકલેશ્વર વાલિયા થઈ ઉમરપાડા તાલુકાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને મોડી રાત સુધી લગ્ન પ્રસંગની મજા માણી પાંચ મિત્રો કારમાં રાત્રિના બે વાગ્યે અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા ત્યારે રાણીકુંડ ગામના જોખમી ટર્નિંગ પાસે કાર ચલાવી રહેલ હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર ઉંમર વર્ષ 32 નાઓએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કાર માર્ગની બાજુમાં ડિવાઈડર રેલિંગ સાથે ભટકાતા ૭ થી૧૦ ફૂટ જેટલી ઊંચાઇએથી ૫ થી ૬ પલ્ટી કારે મારી હતી ત્યારે આ સમયે ટુવ્હીલ બાઇક ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તેણે રાત્રીના સમયે અકસ્માત ગ્રસ્ત કારની લાઈટો જોઈ હતી તેમજ ઇજાગ્રસ્તો કણસતા હોવાનું સંભળાયું હતું જેથી રાણીકુંડ પાટિયા પાસે નજીકના ખેતરમાં ઝૂંપડું બનાવીને રહેતા ખેડૂત રાજેશભાઈ નરસિંહભાઈ વસાવા રહે. ગોદલીયા ગામને જગાડી તેઓ અકસ્માત ગ્રસ્ત કાર પાસે ગયા હતા આ સમયે અન્ય લોકોની પણ મદદ તેમણે માંગી હતી અને કારમાં ફસાયેલા ત્રણેય મિત્રોને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા જ્યારે બે મિત્રો હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર અને સુમિત નટવરભાઈ ચાવડાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી જેમાં હાર્દિક રમેશભાઈ શાહને કમરના ભાગે ઇજાઓ થઇ હતી જેને હાલ અંકલેશ્વરથી વડોદરા ખાતે સારવાર માટે લઈ જવાયો છે ત્યાં તેની તબિયત સુધારા પર છે તેમજ સાગરસિંહ ચાવડાને ઇજા થઈ હતી તેઓને અંકલેશ્વર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે કારના માલિક કુલદીપસિંહ રામસિંહ દેવધરાને સામાન્ય ઇજાઓ થઈ છે તેમણે આ ઘટનાના સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ