Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં કાર્યરત અસંખ્ય સિલિકા પ્લાન્ટસમાં કેટલા કાયદેસર?

Share

ભરુચ જિલ્લાનો ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે. આનો ગેરલાભ ઉઠાવીને ખનીજ ચોરો તેનો ભરપુર ફાયદો ઉઠાવી રહ્યા છે. તાલુકામાંથી પસાર થતી નર્મદાના વિશાળ પટમાં આડેધડ થઇ રહેલા રેત ખનનનો મુદ્દો લાંબા સમયથી વિવાદમાં છે. ઉપરાંત તાલુકામાં આજે અસંખ્ય સિલિકા પ્લાન્ટ્સ કાર્યરત છે. રાજપારડીની આજુઆજુમાં જ અસંખ્ય સિલિકાના પ્લાન્ટ્સ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે. આમાં કેટલા કાયદેસર નિયમ મુજબના છે અને કેટલા નિયમો વિરુધ્ધ કાર્યરત છે એ બાબતે ઘનિષ્ઠ તપાસની જરુર વર્તાય છે.

ખનીજ ચોરોને અંકુશમાં રાખવા જિલ્લા કક્ષાએ ખાણ ખનીજ વિભાગ કાર્યરત છે. ઉપરાંત તાલુકાના અધિકારીઓને પણ ખનીજ ચોરોને અંકુશમાં રાખવાની સત્તા અપાયેલી હોય છે. પરંતું દુખની વાત છે કે તાલુકા જિલ્લાના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ લાંબા સમયથી ઉઠી રહી છે. આ બધું અધિકારીઓના બહેરા કાને અથડાઇને પાછુ ફરતુ હોય છે. આપણી લોકશાહીમાં ગ્રામ પંચાયત પાયાના રુપમાં ગણાય છે. સ્થાનિક લોકોના સંપર્કમાં પ્રથમતો ગ્રામ પંચાયતજ હોય છે. ગ્રામ પંચાયતોના પદાધિકારીઓને તો પોતાના વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એની ખબર હોયજ ! અને એ વાત સ્વાભાવિક ગણાય ! ત્યારે તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા અસંખ્ય સિલિકા પ્લાન્ટ્સ નિયમો મુજબ ચાલી રહ્યા છે કે પછી લોલમ લોલ ! આ જોવાની ફરજ જેતે ગ્રામ પંચાયતની પ્રથમ ગણાય. આને માટે નિયમ બનવા જોઇએ કે જે ગ્રામ પંચાયતની હદમાં આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તેના જવાબદાર પદાધિકારીઓ પર પગલા ભરાવા જોઇએ. જિલ્લાનો ભુસ્તર વિભાગ તેમજ તાલુકાના સંબંધિત અધિકારીઓ પણ આ બાબતે ચુપ હોવાથી ખનીજ ચોરો સાથે તેમની મિલિભગત હોવાની પણ શંકા ઉદભવે છે. ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને સંબંધિત અધિકારીઓએ બેનંબરની સંપતિતો નથી ઉભી કરીને ? એ બાબતની પણ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઇએ, જેથી દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી શકે. તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગ પર પણ ઘણા સિલિકા પ્લાન્ટ્સ કાર્યરત છે, અને હજુ અન્ય કેટલાક તૈયાર થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. ત્યારે જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ પોતાની ફરજ બજાવીને એક નૈતિક દ્રષ્ટિનો પણ વિચાર કરીને આ બાબતે સઘન તપાસ કરવા આગળ આવશે ખરા? આજ પ્રશ્ન અત્યારેતો તાલુકામાં ચર્ચાના સ્થાને રહેલો છે. તાલુકાની ખનીજ સંપતિને ખોબેખોબે લુંટી રહેલા ખનીજ ચોરોને સબક શીખવાડવાનો સમય પાકી ગયો છે. ઝઘડીયા તાલુકો મહદઅંશે આદિવાસી ગરીબ વસતિ ધરાવતો તાલુકો છે. તાલુકામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિ હોવાથી ખરેખર તાલુકો આજે નંદનવન જેવો હોવો જોઇએ. તાલુકાની ખનીજ સંપતિનો ફાયદો લેવા ઘણા બહારના ઇસમોએ તાલુકામાં પગપેસારો કર્યો હોવાની દુખસભર લાગણી પણ તાલુકાની જનતામાં સ્પસ્ટપણે દેખાઇ રહી છે. આજે આપણે જોઇ રહ્યા છીએ કે તાલુકાની સ્થાનિક આદિવાસી જનતા ગરીબીમાં જીવતી દેખાય છે. તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ સભ્યો આદિવાસી સમાજમાંથી આવે છે. આ સ્થાનિક આદિવાસી નેતાઓએ પણ તાલુકાના બહુમતિ સમાજ એવા આદિવાસી વર્ગની સમસ્યાઓ માટે આગળ આવવું પડશે. તાલુકામાં આડેધડ ખનીજ સંપતિ લુંટતા ખનીજ ચોરોને નાથવા તાલુકાના તેમજ જિલ્લા ભુસ્તર વિભાગના અધિકારીઓ યોગ્ય રસ નહી બતાવે તો આ બાબતે આરટીઆઇ માંગવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો હોવાની વાતો પણ જાણવા મળી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં જુનાટોઠીદરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા માર્કેટમાં હત્યા કરનાર આરોપી જાતે જ પોલીસ સમક્ષ થયો હાજર.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં નર્મદા નદીનું પૂર ઓસરતા સ્થળાંતરિત પરિવારોની વતન વાપસી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!