ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યાની આગેવાની હેઠળ ઉમલ્લા મુકામે યોજાયેલ પરશુરામ જયંતીના કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોએથી આવેલ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ સંકેતભાઇ પંડ્યાના નિવાસસ્થાનેથી પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, જે ઉમલ્લા દુ.વાઘપુરાના વિવિધ વિસ્તારોમાં ફરીને સોમેશ્વર મંદિરે જઇને સંપન્ન થઇ હતી.
આ પ્રસંગે રશ્મિકાન્ત પંડ્યાએ પરશુરામ ભગવાનના જીવન વિષે વિસ્તારથી જાણકારી આપી હતી. શોભાયાત્રાનું વેપારી મંડળ, સોની મહાજન, દોસી સમાજ, આદિવાસી સમાજ, પટેલ સમાજ, મુસ્લિમ સમાજ વિ.દ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો અને તેઓ ક્ષત્રિયની શક્તિ ધરાવતા હતા તેથી તેઓ બ્રહ્મ ક્ષત્રિય પણ કહેવાયા. પરશુરામને બાળપણમાં તેમના પિતા રામ કહીને બોલાવતા હતા. મોટા થયા બાદ તેમણે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને ધનુરવિધ્યા પણ મેળવી હતી. તેમણે હિમાલય પર્વત પર શિવજીની ઉપાસના કરતા પ્રસન્ન થયેલ શિવજીએ તેમને આપેલ અસ્ત્ર શસ્ત્ર પૈકી એક પરશુ નામનું શસ્ત્ર પણ હતું,જે તેમને ખુબ પ્રિય હતું તેથી તેઓ પરશુરામ કહેવાયા. ઉમલ્લા મુકામે બ્રહ્મ સમાજ આયોજિત પરશુરામ જયંતીમાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ