મોંઘવારીના ચક્કરમાં ગરીબ જનતા પીસાઈ રહી છે, ફળફળાદી અને શાકભાજી ખરીદી શકે તેવી તેમની હિંમત નથી તેવા પરિવારો હવે વાસ્તવિકતાના દર્શન કરાવી રહ્યા છે, ભરૂચના મહંમદપુરા નજીક આવેલ APMC શાક માર્કેટ ખાતે કેટલાક પરિવારોનું ગુજરાન કચરાના ઢગલા પર ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
રોજ સવારે પડે અને વેપારીઓ દ્વારા બદલાનો જે ખરાબ ફળ અથવા શાકભાજી કચરામાં નાંખવામાં આવે છે, તે ફળ અને શાકભાજી વીણીને કેટલાય પરિવારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, બાળકોથી લઇ પરિવારના સભ્યો APMC ખાતે કચરાના ઢગલામાં કલાકો સુધી ફળ, અથવા શાકભાજી વીણતા નજરે પડે છે.
હાલ પેટ્રોલ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પર મોંઘવારી એ માઝા મૂકી છે, ત્યારે પરિસ્થિતિ એટલી વણસી છે કે હવે ગરીબ પરિવારો કચરામાં રહેલું ભોજન ખાવા મજબૂર બન્યા છે, સાથે જ કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ ડોકયા કરી તેઓના પેટનો ખાડો પુરવા માટેની કોઈ વસ્તુ છે કે નહીં તે પ્રકારની પ્રવૃતિ કરતા સવારના સમયે માર્કેટમાં નજરે પડતા હોય છે, ત્યારે પેટ કરાવે વેઠ, અને વર્તમાન સમયની કડવી વાસ્તવિકતાની આ તસ્વીરો તંત્ર તેમજ સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને અર્પણ છે.
હારુન પટેલ : ભરૂચ