ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ માં છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બનેલા રસ્તાઓને લઇ સ્થાનિક રહીશોની હાલત કફોડી બની હતી, બિસ્માર રસ્તા અને ખુલ્લી ગટરોના કારણે માણસોથી લઈ વાહનોને પણ અકસ્માતની ઘટનાનો સામનો કરવો પડતો હતો, ત્યારે અવારનવાર સ્થાનિકોની રજુઆત અને ચૂંટાયેલા સભ્યોના આંદોલન બાદ વોર્ડ નંબર ૧૦ માં વિવિધ સ્થળના રસ્તાઓને પાલિકમાં મંજૂરી મળી હતી.
રસ્તાઓની મંજૂરી બાદ પણ કોન્ટ્રાક્ટરની લાલિયા વાડીના કારણે કાચબા ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, વર્ષ ઉપરાંતનો સમય વિટવા છતાં કામગીરી ન થતા સ્થાનિકોમાં ચર્ચા હતી કે હવે ચોમાસું આવી જશે તો પણ કામગીરી નહિ થાય, પરંતુ આજરોજ સવારથી નિંદ્રામાં રહેલુ તંત્રએ જાગી ગયું હોય તેમ પીરકાંઠીથી ચાર રસ્તા સુધીના માર્ગની કામગીરી શરૂ કરવામાં આવતા ત્યાં વસતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
મહત્વનું છે કે આજ વિસ્તારના ફાટાતળાવથી ચાર રસ્તા સુધીના માર્ગ નું કામ ધીમીગતિએ ચાલી રહ્યું છે, ભૂતકાળમાં જ્યાં ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરોમાં માણસો ખાબકતા હતા તે જ માર્ગ ઉપર હજુ સ્થિતિ જે સે થે તેવી નજરે પડતી હોય આગામી ચોમાસામાં ભૂતકાળની જેમ અકસ્માતો ન બને તે માટે તંત્રએ વહેલી તકે આ કામગીરી પણ પૂર્ણ કરવી જોઈએ તેવી લોક માંગ સ્થાનિકોમાંથી ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ