નડિયાદ સહિત જિલ્લામાં પડેલી રહેલી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તાપમાનનો પારો ૪૩ ડિગ્રી પાર પહોંચી ગયો છે. અંગ દઝાડતી ગરમીને લઇને બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. અગત્યના કામ સિવાય લોકોએ બપોર બહાર નીકળવાનું ટાળ્યું હતું. ખેડા જિલ્લામાં ગરમીનો કહેર વર્તાઇ રહ્યો છે. કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
સૂર્યનારાયણદેવે અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. બપોરના સમયે આકાશમાંથી પડી રહેલ કાળઝાળ ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જિલ્લામાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી પાર પહોંચી ગયો છે. હિટવેવ વર્તાઇ રહ્યો છે. નિડયાદ શહેરના રોડ પરથી ડામર પણ ઓગળવા માંડયો હતો. રોડ પર બપોરના સમયથી અવરજવર પણ ઘટી ગઇ હતી. શહેરના બજાર વિસ્તારમાં દુકાનદારો દ્વારા રોડ પર છાંયો રહે તે માટે લીલી નેટ બાંધવામાં આવી હતી. નડિયાદ સંતરામ રોડની સાઈડમાં પાથરણાંવાળા, લારીઓવાળાઓ આકાશમાંથી વરસી રહેલી અગન જવાળાથી બચવા માટે છત્રી, કપડું બાંધીને છાયો મેળવીને વેપાર કરી રહ્યા છે. બપોરે શેરડીના કોલા, ઠંડાપીણા બરફગોળા અને લસ્સીની હાટડીઓ પર લોકોની ભીડ થઇ રહી હતી. ઠંડા પાણીનો ઉપયોગ પણ વધી ગયો છે. ઘર અને ઓફિસોમાં પંખા, એસીમાં બેસી રહેવાનું લોકોએ મુનાસીબ માની રહ્યા છે. દિવસે દિવસે ગરમી વધી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં લૂ લાગવાના કેસ વધી જાય તો નવાઇ નહી.
નરેશ ગનવાણી : નડિયાદ