ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતા અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા છેલ્લા બે મહિનાથી માલીપીપર ગામે એક સિલિકા પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૪ મીના રોજ સાંજના સાડા સાતના સમયે અશ્વિનભાઇ ઘરેથી માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટમાં નોકરીએ જવા નીકળ્યા હતા. સિલિકા પ્લાન્ટ બંધ થયા બાદ રાતના સાડા બારના અરસામાં તેઓ ચા પીને પ્લાન્ટમાં રાઉન્ડ મારવા ગયા હતા. તે દરમિયાન બે ઇસમો અશ્વિનભાઇ પર હુમલો કરીને તેમને માર મારવા લાગ્યા હતા. અશ્વિનભાઇએ આ ઇસમોને જોતા આ બે ઇસમો પૈકી એક જુના આમોદ ગામનો શૈલેષભાઇ કિશોરભાઇ વસાવા અને તેની સાથે આવેલ ઇસમ મંગાભાઇ બાધરભાઇ વસાવા હતા. શૈલેષના હાથમાં ધારિયું હતું. તેણે અશ્વિનભાઇને ડાબા પગમાં ઘુંટણના નીચે ધારિયાનો હાથો મારી દીધો હતો, તેમજ માથાના ભાગે અને હાથના ભાગે ધારિયાના ઝટકા માર્યા હતા. બીજા ઇસમ મંગાભાઇ બાધરભાઇ વસાવાએ અશ્વિન સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામા અશ્વિનભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ અશ્વિનભાઇની જુના આમોદ ગામની સીમમાં આવેલ જમીનની બાજુમાં શૈલેષ વસાવાની જમીન પણ આવેલી છે. શેલેષ અશ્વિનભાઇની જમીનમાંથી રસ્તો કાઢવાનું કહેતો હોઇ, રસ્તા બાબતે બન્ને વચ્ચે તકરાર ચાલ્યા કરે છે, તે વાતની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું. ઘટના સંદર્ભે અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા રહે.નવા માલજીપુરા (સારસા ડુંગરવાળું) તા.ઝઘડીયાનાએ શેલેષભાઇ કિશોરભાઇ વસાવા તેમજ મંગાભાઇ બાધરભાઇ વસાવા બન્ને રહે.ગામ આમોદ, તા.ઝઘડીયા, જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ