ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીને વર્ષ ૨૦૨૧ – ૨૨ દરમિયાન બાકીદારો પાસેથી નાણા મેળવવામાં સફળતા મળતા ભરૂચ શહેર ખાતે કોર્પોરેટ ઓફીસના અધિકારીઓ દ્વારા રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેર ડી.જી.વસાવા સહિત કચેરીના ટેકનિકલ સ્ટાફને સન્માન પત્ર એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.
ઝઘડીયા તાલુકામાં પ્રથમવાર રાજપારડીની વીજ કચેરીને સન્માન પત્ર મળતા કચેરીમાં ખુશાલીનો માહોલ છવાયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેર, નાયબ હિસાબનીશ, ટેકનિકલ સ્ટાફ તેમજ નોન ટેકનિકલ સ્ટાફે નાણાકીય વર્ષ ૨૧-૨૨ દરમિયાનનો ડેબીટ એરીયર્સ પુર્ણ કર્યો હતો. જેની દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નોંધ લેવામાં આવી હતી, અને આ કામગીરી બદલ ભરૂચ વર્તુળ કચેરી ખાતે કોર્પોરેટ ઓફીસના અધિકારીઓ દ્વારા રાજપારડી કચેરીને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. ઝઘડીયા તાલુકામાં પ્રથમવાર ડેબીટ એરીયર્સ ટારગેટ પુર્ણ કર્યો હોવાનુ સન્માન મળતા રાજપારડી વીજ કચેરીમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. રાજપારડીની કચેરીને આ બાબતે સન્માનપત્ર મળતા નગરમાં સ્થાનિક સ્તરે ગૌરવની સાથે સાથે ઉત્સાહનું મોજુ ફેલાયેલું દેખાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ