માંગરોળ તાલુકામાં દિન પ્રતિદિન ગૌવંશની તસ્કરી અને હત્યાના બનાવોમાં સતત વધારો થતાં સરકારી તંત્ર અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલુકામાં ત્રણ જેટલી ચેકપોસ્ટો શરૂ કરી 24 કલાક રાઉન્ડ ક્લોક સઘન પોલીસ ચેકિંગ શરૂ કરાયું છે.
માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગૌવંશની તસ્કરી અને ગૌહત્યાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં થોડા સમય પહેલાં જ વાંકલ પાતલ માર્ગ પરથી પોલીસે ગૌવંશ ભરેલી પીકઅપ ગાડી ઝડપી પાડી હતી તેમજ હથુરણ પાનોલી વચ્ચે ગૌરક્ષકોએ બાતમીને આધારે ગોવંશ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો, આવા સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે જેથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. હિન્દુ સમાજના આગેવાનો ગૌરક્ષકો અવારનવાર સરકારી તંત્ર અને પોલીસ તંત્રને ગૌ હત્યા અને ગૌવંશ તસ્કરી રોકવા માંગ કરી રહ્યા હતા. બીજી તરફ આ બનાવોમાં સતત વધારો થતાં સરકારની છબી બગડી રહી હતી જેથી હવે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર અને તંત્ર સતર્ક બન્યું છે. વાંકલ પાતલ માર્ગ પર પાતલ ખાતે નવી ચેકપોસ્ટ શરૂ કરાઇ છે. વાડી ચાર રસ્તા ખાતે એક નવી ચેક પર શરૂ કરાઇ છે તેમજ હથુરણ પાનોલી માર્ગ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. ઉપરોક્ત માર્ગો ઉપર તાજેતરમાં જ પોલીસે ગૌવંશની તસ્કરી કરતા ઇસમોને વાહનો સાથે ઝડપી લીધા હતા જ્યારે નિર્દોષ પ્રાણીઓ હત્યા રોકવા માટે બીજી તરફ સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બની રહેલી પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થામાં સભ્ય બનાવવાની ઝુંબેશ પણ સરકારી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં જીવદયા પ્રેમીઓને જોડવાનો પ્રયાસ થયો છે. ચેકપોસ્ટો શરૂ કરાતાં જીવદયા પ્રેમીઓએ સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓના પગલાને બિરદાવી રહ્યા છે અને ગૌહત્યા પશુ અત્યાચાર સહિતના ગુનાઓ સદંતર બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ