બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ શહેરના એમ.જી રોડ વિસ્તારમાં બીટી મિલ પાસે એક સ્વીફ્ટ કારના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી રસ્તા પરથી પસાર થતી એક ઇકો ગાડીને આગળના ભાગે અથડાયા બાદ નજીકમાં આવેલ સ્ટ્રીટ લાઈટના પોલમાં ધડાકા સાથે ઘુસી જતા એક સમયે ઉપસ્થિત લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્ટ્રીટ લાઈટના પોલમાં ઘુસેલ સ્વીફ્ટ કારના કારણે આખો પોલ એક તરફ નમી પડ્યો હતો, ઘટનાના પગલે એક સમયે સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા, જોકે પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિથી વાકેફ થઇ લોકોને સ્થળ પરથી ખસેડયા હતા, અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રાત્રીના સમયે પુરપાટ ઝડપે નીકળેલા સ્વીફ્ટ કારમાં બેસેલ યુવાનો નશાની હાલતમાં હોવાનું પણ સ્થળ ઉપર ચર્ચાઈ રહ્યું હતું, તેમજ કારમાં સવાર એક યુવાન પોલીસ પુત્ર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું હતું, જોકે મામલામા સ્વીફ્ટ કાર, ઇકો ગાડી સહિત સ્ટ્રીટ લાઈટના પોલને મોટી નુકશાની થઇ હતી, ઘટના અંગે પોલીસે પણ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ