ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી બે નંબરી તત્વો અને બુટલેગરો પર સતત પોલીસનો સપાટો બોલી રહ્યો છે, છેલ્લા બે સપ્તાહમાં અનેક સ્થળેથી લાખોની માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ પોલીસે ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે, જેમાં વધુ એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે પોલીસે શક્તિનાથથી સેવાશ્રમ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટવેરા ફોર વ્હીલ કાર નંબર GJ.21.M.3035 ના ચાલકને રોકી તેની તલાશી લેતા ગાડીના શીટના નીચેના ભાગે આવેલ તળિયામાં તેમજ દરવાજાના ભાગે ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી શરાબની ૭૨ નંગ જેટલી બોટલો પોલીસે ઝડપી પાડી હતી.
ક્રાઇમ બ્રાંચે મામલે વલસાડ તાલુકાના પારડીના ટેકરા ફળિયામાં રહેતા ચેતન ઇશ્વરભાઈ પટેલ નામના ઇસમની ધરપકડ કરી કુલ ૩ લાખ ૩૯ હજારનાં મુદ્દામાલનો કબ્જો મેળવી મામલે ભરૂચના વિરલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ છવાઈ જવા પામ્યો છે.
હારુન પટેલ : ભરૂચ