ભરુચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, વડોદરા સુરત વચ્ચેનો હાઇવેનો વિસ્તાર જાણે કે અકસ્માત જોન બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, હાઇવે પર દિન પ્રતિદિન સર્જાતા અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે વધુ એક અકસ્માત ઝંગાર નજીકથી સામે આવ્યો હતો.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ તાલુકાના ઝંગાર ગામના પાટીયા પાસે ગતરાત્રીના સમયે ડમ્પર અને ટ્રક વચ્ચે એક અકસ્માતની ઘટના બનતા એક સમયે લોકોમાં દોડધામ મચી હતી, અકસ્માતના પગલે લોકટોળા ભેગા થઈ જતા હાઇવે ઉપર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક કેબીનના ભાગે ફસાઇ જતા મહામહેનતે ઉપસ્થિત લોકોએ તેનું રેસ્કયુ કરી તેને બહાર કાઢ્યો હતો, ઘટના અંગેની જાણ ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સમાં કરાતા ઈજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ઘટનાના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ થતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત સર્જાયેલ વાહનોને રસ્તા પરથી ખસેડી ટ્રાફિકને ખૂલ્લો કરાવ્યો હતો.
હારુન પટેલ : ભરૂચ