હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જેમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં ઉધોગો, વાહનો, ગોડાઉનો, મકાનો તેમજ ખુલ્લા પ્લોટના ઝાડીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે, તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી જેમાં એક ગાડી સળગી જતા એક સમયે દોડધામ મચી હતી.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ગત મોડી સાંજે પાર્ક કરેલ એક ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયરના લાશકરોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પાર્કિંગમાં રહેલ કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ : ભરૂચ