ભરૂચ જિલ્લામાં નવા જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે હવાલો સંભળ્યા બાદ જ્યાં એક તરફ બુટલેગરો અને ગુનાખોરી કરતા તત્વોમાં ફફડાટ છવાયો છે તો બીજી તરફ હવે ભંગારીયા ઓ સામે પણ પોલીસની લાલઆંખ જોવા મળી રહી છે, જેઓ સામે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ કરી ચેકીંગ હાથ ધરતા લાખોનો ગેરકાયદે સામાન કબ્જે કરી ભંગારીયાઓને જેલના સળિયા ગણતા કર્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ ૬૨ જેટલા ભંગારીયાઓને ચેક કર્યા હતા જેમાં ચેકીંગ દરમિયાન અંકલેશ્વર જીઆઇડીસી ના ત્રણ ગોડાઉનો સહિત કુલ ૬ જેટલા ગોડાઉનમાંથી ગેસના બોટલ, એસ.એસ.ના પાઈપ, નવા બ્રિજ બનાવવામાં ઉપયોગમાં લેવાતા લોખંડના જેક તથા લોખંડના સળિયાઓ, પાઇપો વિગેરે શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી કુલ ૩,૯૩,૯૭૦ નો મુદ્દામાલ આધાર પુરાવા વગર મળી આવતા ૬ જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટની લાગણી છવાઈ જવા પામી છે.
મહત્વની બાબત છે કે અત્યાર સુધી બેફામ અને બિન્દાસ બનેલા બુટલેગરો પર પોલીસની તવાઈ અને હવે ભંગારીયાઓ પર ડો.લીના પાટીલનો સપાટો ફરી વળતા આ પ્રકારના વ્યવસાયને વહીવટદાર બની પ્રોત્સાહન આપતા તત્વો સાથે સાથે ગુનાખોરીને અંજામ આપતા તત્વોમાં પણ ફફડાટ છવાયો છે.
હારુન પટેલ : ભરૂચ