ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે હેલ્થ કેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ નિયામક અને શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રશમિકાંત પંડ્યાના હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં રશમિકાંત પંડ્યા સહિત ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેન વસાવા, ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ તાલુકાના વિવિધ હોદ્દેદારો, અગ્રણીઓ અને આજુબાજુના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. રશમિકાંત પંડ્યાએ પ્રસંગોચિત પ્રવચનમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કોરોના મહામારીમાં કરેલ કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે નાગરિકોના આરોગ્ય ઉપર વિશેષ ભાર મુકી અલગઅલગ યોજનાઓ દ્વારા તમામ લોકોની તંદુરસ્તી જાળવી રાખવામાં ખુબજ ઉમદા કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. આજે ઘેર બેઠા ગરીબ નાગરિકો પોતાના આરોગ્ય સંબંધી જાણકારી મેળવીને સારવાર લઇ શકે તે હેતુથી આ મેળો યોજાયો હોવાનું જણાવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનોએ આયોજિત કાર્યક્રમનો યોગ્ય લાભ લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ