વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. લીલોડ ગામ પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં શિનોરના એક્ટિવા ચાલકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના પરિવારજનોની સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ કોંગી અગ્રણી અભિષેક ઉપાધ્યાયે મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
લીલોડ નજીક સર્જાયેલા અકસ્માતમાં કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કરજણ પોલીસે અકસ્માત સર્જનાર હાઈવા ડમ્પર ચાલકને ઝડપી પાડી હાઈવા ડમ્પર કબજે લીધું હતું. સર્જાયેલા અકસ્માતમા બે ભૂલકાઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દેતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. શિનોરના જુના માછી ફળીયામાં રહેતો ગરીબ પરિવાર રાજુભાઇ માછી તેમની ધર્મ પત્ની, બે બાળકો સાથે મજૂરી કરી પેટયું રળી ખાતા પોતાનો પરિવાર ચલાવતા હતા. 147 વિધાનસભાના સાંસદ મનસુખ વસાવા, કરજણ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ, કરજણ ભાજપ પ્રમુખ સહિતનાઓએ મૃતક માછી રાજુભાઇના ગરીબ પરિવારની મુલાકાત કરી હતી.
મુલાકાત બાદ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા હતાં સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રને નિશાન બનાવ્યું હતું. આવા રેતી માફિયાઓ સાથે વહીવટી તંત્ર જોડાયેલું હોવાના આક્ષેપો કર્યા હતા. બેફામ ચાલતા રેતી માફિયાના ચાલતા હાઈવા ડમ્પરોના માલિકો સાથે જોડાયેલા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. વહીવટી તંત્રની કોઈ ધાક નથી, વહીવટી તંત્રથી આ લોકો બિલકુલ ગભરાતા નથી. એ લોકોને કારણે આવી ઘટના બને છે. ગરીબ પરિવારો ભોગ બનતા હોય છે એમ તેઓએ જણાવ્યું હતું. બેફામ ચાલતા હાઈવા ડમ્પરોને લઈ અગાઉ પણ સરકારનું ધ્યાન દોર્યું હતું. હવે ફરીથી સરકારને રજુઆત કરીશ એમ જણાવ્યું હતું.
વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાય શિનોર તાલુકાના નેતાઓએ પણ આ પરિવારની મુલાકાત કરી આશ્વાશન આપ્યું હતું.
વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાએ જણાવ્યું હતું કે ભાજપ સાંસદ મનસુખ વસાવા એ કરજણના માલોદ ગામે બનેલ ઘટનાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. મેં પણ આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીને જાણ કરી છે એમ તેઓએ જણાવ્યું હતું. જો આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે મૃતક યુવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
યાકુબ પટેલ, કરજણ