નવસારીમાં જૈનોના 24 માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અવસરે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેનું નગરપાલિકા નજીક ધારાસભ્ય, કલેક્ટર સહિતના મહાનુભાવોએ સ્વાગત કરી ભગવાન મહાવીરના આશિર્વાદ મેપાવી ધન્યતા અનુભવી હતી.
ચૈત્રી તેરસના પવિત્ર દિવસે જૈનોના 24 માં તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. આજના દિવસને વીર તેરસ તરીકે પણ જૈનો ઉજવે છે. ત્યારે આજે સવારથી જૈનોમાં ભગવાનના જન્મોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. નવસારીમાં પણ છેલ્લા 22 વર્ષોથી ભગવાન મહાવીર જયંતિએ નવસારી જૈન સમાજના ચારેય ફિરકાઓ એક થઈ ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે. આજે સવારે નવસારીના નાગતલાવડી સ્થિત ચૌમુખી મહાવીર જીનાયલ ખાતેથી સમસ્ત જૈનો દ્વારા પ. પૂ. આચાર્ય મલયકીર્તિસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી નવસારી-વિજલપોર નગરપાલિકા પહોંચી હતી. જ્યાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, પાલિકા પ્રમુખ જીગીશ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત મહાનુભાવોએ શોભાયાત્રાનું સ્વાગત કરી આવકારી હતી અને ભગવાન મહાવીરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. યાત્રા નગર ભ્રમણ કરી ફરી ચૌમુખી મહાવીર જિનાલય પહોંચી વિરામ પામી હતી.
પરિમલ મકવાણા નવસારી
નવસારીમાં જૈનોના 24 માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી.
Advertisement