કેન્દ્રિય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રા.), મહાત્મા ગાંધી નરેગા યોજના, મિશન મંગલમ, જિલ્લા આરોગ્ય શાખા, શિક્ષણ શાખા, આઇ.સી.ડી.એસ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, વ્હાલી દિકરી યોજના, રોજબરોજની જરૂરીયાતના વિભાગોની સમીક્ષા કરી હતી.
કેન્દ્રિય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણએ દરેક વિભાગના અધિકારીઓ પાસેથી વર્ષ દરમ્યાન સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લક્ષ્યાંક, લક્ષ્યાંક સામે થયેલ કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી બાકી કામો વહેલી તકે હકારાત્મક રીતે ઉકેલવા સૂચના આપી હતી. આ બેઠકમાં મંત્રી દેવુસિંહ ચૌહાણએ તમામ ઉપસ્થિત અધિકારીઓને તેઓના હસ્તકના વિભાગને ફાળવેલ લક્ષ્યાંકની કામગીરી ગુણવત્તાસભર રીતે નિયત સમય મર્યાદામા પૂરી કરવા તથા ધારાસભ્યઓ તરફથી પુછવામાં આવેલા પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ કોન્ફરન્સમા જિલ્લાના વિવિધ વિભાગોના જિલ્લા તથા તાલુકા કક્ષાના પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ જોડાયા હતા.
આ બેઠકમાં દરેક વિભાગના અધિકારીઓ દ્રારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતુ તેમજ ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.આર.રાણાએ આ બેઠકમાં સૌનું સ્વાગત કર્યું હતું. આ કોન્ફરન્સમા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કપડવંજ મત વિસ્તારના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, જિલ્લા કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ