તા.૧૪ મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ એક “એસ.એસ.ફોર્ટ સ્ટાઈકીન” બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી, આ આગ બુઝાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું, સાથે ૩૦૦ થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા.
કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી, ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪ મી એપ્રિલને “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
આજરોજ ભરૂચ નગરપાલિકાના ફાયરના જવાનોએ પણ ફાયર સ્ટેશનમાં રહેલ તમામ લાય બંબાને ફુલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અગ્નિ શમન દિન તરીકેની ઉજવણી કરી હતી.
હારુન પટેલ : ભરુચ