ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો એ રાજય સરકારના તમામ સરકાર માન્ય સંઘો અને મહાસંઘોનો સરકાર માન્ય સંઘ છે. આ સંઘમાં રાજ્યના રાજ્ય કક્ષાના ૫૦થી વધુ સંઘો મહાસંઘો જોડાયેલા છે. ગુજરાત સરકાર સમક્ષ રાજયના ૨ લાખ પ્રાથમિક શિક્ષકો ઉપરાંત ૩.૫ લાખ સરકારી કર્મચારીઓ અને બોર્ડ નિગમ/કોર્પોરેશન સહિતના કર્મચારીઓ મળીને ૭ લાખ જેટલા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા ૧૪ મી એપ્રિલનો દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજયના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલા પ્રાથમિક શિક્ષકો ઉપરાંત તમામ કર્મચારી યુનિયનો મારફત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ફૂલહાર અર્પણ કરી દરેક ધારાસભ્યશ્રીઓ મારફત રાજ્ય સરકાર સુધી નીચેની માંગણીઓ પહોંચાડવામાં આવશે.
મુખ્ય માંગણીઓ :
(૧) જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવામાં આવે.(૨) ફિક્સ પગારના કેસ સુપ્રિમમાંથી પરત ખેંચવામાં આવે અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તથા કરાર આધારીત કર્મચારીઓ (NHRM, SSA) જેવી તમામ યોજનાના કર્મચારીઓને પૂરા પગારથી કાયમી કરવામાં આવે. (૩) સાતમા પગારપંચના મોંઘવારી સહિતના તમામ લાભો કેન્દ્રના ધોરણે તા.૧/૧/૨૦૧૬થી આપવામાં આવે. (૪) પ્રાથમિક શિક્ષક સિવાયના કર્મચારીઓને પણ સળંગ નોકરીનો લાભ મળે. (૫) શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ૧૦,૨૦,૩૦ મુજબ ત્રણ ઉચ્ચત્તર પગાર ધોરણના લાભો આપવામાં આવે. ઉપરોક્ત માંગણીઓ સાથે જુની પેન્શન યોજનાનો સંકલ્પ લઈ રાજ્યની ૧૮૨ વિધાનસભા મતવિસ્તાર દીઠ બહોળી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સહિત તમામ ૭ લાખ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે અને પોતાની માંગણીઓ બુલંદ કરશે. સરકાર દ્વારા દિવસ-૧૦ માં સદર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ મહાઆંદોલનના કાર્યક્રમો યોજવામાં આવનાર છે એમ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા એ અખબારી યાદીમાં જણાવેલ છે.
આ અંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ તેમજ તેઓની ટીમ દ્વારા દરેક તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ ખુબ સુંદર આયોજન કરેલ છે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવા અને સંલ્પપત્રનું વાંચન કરી સામુહિક સંકલ્પ લેવાના કાર્યક્રમમાં દરેક તાલુકાના શિક્ષક કર્મચારી તથા અન્ય સંગઠનના કર્મચારીઓને જોડાવાનું રહેશે. અન્ય સંગઠનોને સાથે જોડવાની જવાબદારી તાલુકાનું પ્રમુખ/મહામંત્રીની રહેશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તલાવદી મેદાન, પ્રાંત કચેરીની સામે બારડોલી સવારે ૧૦-૩૦ થી ૧૨-૦૦ કલાકે રાખવામાં આવેલ છે એમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી એ અખબારી યાદીમાં જણાવેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ